મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહારમાં નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં યોજાઇ શકે છે વિધાનસભા ચૂંટણી, JDU-BJPએ ECને કરી મોટી માંગ

બિહારમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં યોજાઇ શકે છે. ચૂંટણી પંચ સાથે બેઠકમાં રાજ્યના 12

બિહારમાં નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં યોજાઇ શકે છે વિધાનસભા ચૂંટણી, JDU-BJPએ ECને કરી મોટી માંગ

બિહારમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં યોજાઇ શકે છે. ચૂંટણી પંચ સાથે બેઠકમાં રાજ્યના 12 રાજકીય પક્ષોએ પોતાની વાત મુકી હતી. રાજ્યમાં દિવાળી બાદ છઠ્ઠ મહાપર્વનું આયોજન મહત્ત્વપૂર્ણ હોય છે. છઠ્ઠ મહાપર્વ આ વર્ષે 25થી 28 ઓક્ટોબર સુધી યોજાશે. છઠ્ઠ મહાપર્વ દરમિયાન મોટી સંખ્યામાં રાજ્યની બહાર રહેતા લોકો પોતાના ઘરે આવશે. એવામાં તેમણે  મતદાનમાં સામેલ થવાની તક પણ મળશે.

JDU: બિહારમાં છઠ્ઠ બાદ ચૂંટણી કરાવવાનું સૂચન

JDUના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા સાથે ચૂંટણી પંચની બેઠકમાં સામેલ થયેલા પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહાએ જણાવ્યું કે બિહારમાં ચૂંટણી છઠ્ઠ બાદ કરાવવાનું સૂચન ચૂંટણી પંચને આપવામાં આવ્યું છે. આ પ્રતિનિધિમંડળમાં સામેલ JDUના પૂર્વ સાંસદ અનિલ હેગડેએ જણાવ્યું કે ચૂંટણી પંચ સમક્ષ બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટી સ્તર પર પાંચ વાહનોની જગ્યાએ 20 વાહનોની પરવાનગી માંગવામાં આવી છે.

ભાજપ: ચૂંટણીની જાહેરાતના 28 દિવસ પછી મતદાન યોજાય

ભાજપના પ્રતિનિધિમંડળનું નેતૃત્ત્વ કરતા પ્રદેશ અધ્યક્ષ ડૉ.દિલીપ જયસ્વાલે કહ્યું કે ચૂંટણી પંચની જાહેરાતના 28 દિવસ બાદ જ ચૂંટણી યોજવામાં આવે. 3-4 નવેમ્બરે 28 દિવસ પૂર્ણ થાય છે,તેના તરત બાદ ચૂંટણી કરાવવામાં આવે. બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષે ધાર્મિક સ્થળો પાસે બનાવવામાં આવેલા મતદાન કેન્દ્રોને બદલવા, મતદાન સ્લિપને યોગ્ય રીતે વહેંચવા અને ચૂંટણીના એક દિવસ પહેલા ફ્લેગ માર્ચ કરાવવાની માંગ કરી છે.

RJD: સંવેદનશીલ બૂથ નોંધી યાદી આપો

RJDએ SIRને લઇને સવાલ ઉઠાવ્યા હતા અને 3.66 લાખ નામ હટાવવાની સૂચના ના આપવાની વાત કરી છે. પાર્ટીએ પ્રાથમિકતાના આધાર પર સંવેદનશીલ બુથોને નોટ કરી તેના પર ધ્યાન આપી અને યાદી આપવાની માંગ કરી છે. ચૂંટણી દરમિયાન વ્યક્તિગત ટીકા-ટિપ્પણી પર રોક લગાવો, ફોર્મ 17 Cને આપવાની માંગ કરી છે. પ્રતિનિધિમંડળમાં સાંસદ અભય કુશવાહા,RJD પ્રવક્તા ચિતરંજન ગગન અને પ્રભારી મહાસચિવ મુકુંદ સિંહ સામેલ હતા.

ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી શકે

મહત્ત્વપૂર્ણ છે કે 2020ની બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાઇ હતી પરંતુ આ વખતે ચૂંટણી પંચ પહેલા જ કહી ચુક્યુ છે કે ઓછા તબક્કામાં ચૂંટણી કરાવવાનો પ્રયાસ થશે. બિહાર પ્રવાસના બીજા દિવસે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ 12 રાજકીય પક્ષો સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક કરી હતી. કહેવામાં આવે છે કે ચૂંટણી પંચ દ્વારા દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી શકે છે. એવી અટકળો પણ છે કે આવતા અઠવાડિયામાં બિહાર ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે.

આ સમાચાર શેર કરો