'CM બનીશ ત્યારે જ ગૃહમાં પરત ફરીશ...' કેવી રીતે કિંગમેકર બન્યા ચંદ્રબાબુ નાયડુ
ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 1995-2004 અને 2014-2019માં તે

ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 1995-2004 અને 2014-2019માં તે મુખ્યમંત્રી બન્યા હતા. આંધ્ર પ્રદેશના સૌથી સફળ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું રાજકીય જીવન કોઇ ફિલ્મી વાર્તાથી ઓછુ નથી. કોંગ્રેસમાંથી રાજકારણની શરૂઆત કરનારા TDPના વડાની રાજકીય સફર પર એક નજર કરીએ...
આ વાતને એક વર્ષ પણ નથી થયું જ્યારે ચંદ્રબાબુ નાયડુને કેન્દ્ર કે ક્ષેત્રીય રાજકારણમાંથી લગભગ દૂર કરવામાં આવ્યા હતા. ચંદ્રબાબુ નાયડુના ફરી ઉદયની કોઇને આશા નહતી પરંતુ ચૂંટણી દરમિયાન એક રેલીમાં તેમની કરૂણ અપીલ કામ કરી ગઇ અને તેમણે વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતીથી જીતી લેતા ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
સાથે જ લોકસભાની 16 બેઠક જીતીને મોદી સરકાર 3.0માં મહત્ત્વના સહયોગીની ભૂમિકામાં ઉભર્યા છે. 13 વર્ષ 247 દિવસ સુધી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી રહેતા તેમને ખુદને રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત કરી લીધા હતા.
હૈદરાબાદને વિકસિત કરવામાં નાયડુની મહત્ત્વની ભૂમિકા
મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન નાયડુની છબી એક આર્થિક સુધારક અને માહિતી ટેકનોલોજી આધારિત આર્થિક વિકાસને પ્રોત્સાહન આપતા નેતાની રહી છે. નાયડુએ હૈદરાબાદને સાઇબર સિટી તરીકે વિકસીત કરી અને રાજ્યના પાયાની સુવિધાના વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું જેમાં નવું પાટનગર અમરાવતીનું નિર્માણ પણ સામેલ છે.
નાયડુએ તેમની પ્રતિજ્ઞા પૂરી કરી
વર્ષ 2021માં નાયડુએ પરિવારના સભ્ય વિરુદ્ધ તેમની ટિપ્પણીના વિરોધમાં વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી બન્યા પછી જ ગૃહમાં પાછા આવશે.આ પ્રતિજ્ઞા હવે પૂરી થતી દેખાય છે.
નાયડુ 6 મહિના જેલમાં રહ્યા
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નાયડુની રાજ્ય CID દ્વારા કૌશલ્ય વિકાસ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી.તેમને લગભગ બે મહિના રાજમહેન્દ્રવરમ સેન્ટ્રલ જેલમાં વિતાવવા પડ્યા હતા. લગભગ આઠ મહિના પહેલાં, જ્યારે તેઓ જેલમાંથી બહાર આવ્યા હતા, ત્યારે કદાચ તેમને રાજકારણમાં પાછા ફરવા માટે પોતાના પર પૂરતો વિશ્વાસ ન હતો.
તેથી જ તેમણે કુર્નૂલમાં એક જાહેર સભામાં આંધ્રપ્રદેશની જનતાને અપીલ કરી હતી કે જો તમે મને અને મારી પાર્ટી પર વિશ્વાસ મૂકીને મને વિધાનસભામાં મોકલશો તો જ આંધ્રપ્રદેશનો વિકાસ જોવા મળશે, નહીં તો આ મારી છેલ્લી ચૂંટણી હશે.આ અપીલ કામ કરી ગઈ અને લોકોએ તેમને સત્તા સોંપી.
આ પણ વાંચો: કોણ છે આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ?, PM મોદી પણ કરી ચુક્યા છે પ્રશંસા
PhD અધૂરી છોડીને રાજકારણમાં ઝંપલાવ્યું
ચંદ્રબાબુ નાયડુનો જન્મ દક્ષિણ-પૂર્વ આંધ્રમાં તિરુપતિ પાસેના નાનકડા ગામ નરવરીપલ્લીમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. ચંદ્રબાબુ પાંચ ભાઈ-બહેનના પરિવારમાં સૌથી મોટા છે.
તેમના ગામમાં કોઈ શાળા ન હોવાથી, તેમણે નજીકના શેષાપુરમની સરકારી શાળામાંથી પાંચમું ધોરણ અને ચંદ્રગિરીની સરકારી શાળામાંથી બારમું ધોરણ પૂરું કર્યું. જ્યારે તેઓ શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટી કોલેજ ઓફ આર્ટસ, તિરુપતિમાં ગ્રેજ્યુએશન વખતે તેમણે તેમની કોલેજના વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ કર્યો.
1972માં ગ્રેજ્યુએટ થઈને પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ ચાલુ રાખ્યો. 1974માં તેમણે પીએચડી પર કામ શરુ કર્યું. પરતું તે અધૂરું છોડીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને પછી આંધ્રપ્રદેશની પ્રાદેશિક પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)માં ગયા. તેમણે ફિલ્મ અભિનેતા અને પાર્ટીના સ્થાપક એનટી રામારાવની પુત્રી ભુવનેશ્વરી સાથે લગ્ન કર્યા.
નાયડુ પ્રથમ વખત 1978માં ચૂંટાયા હતા
નાયડુ પ્રથમ વખત 1978માં આંધ્રપ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા હતા અને મંત્રી તરીકે સેવા આપી હતી. વર્ષ 1995 માં, તેઓ તેમના સસરા એનટી રામારાવના રાજકીય બળવા પછી પ્રથમ વખત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા.
નાયડુ 1999માં ફરીથી મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા અને 2004 સુધી પદ પર રહ્યા. 2014માં, આંધ્રપ્રદેશનું વિભાજન કરીને તેલંગાણાની રચના થયા પછી તેઓ ત્રીજી વખત પણ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. 2019ની વિધાનસભા ચૂંટણીમાં જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની YSR કોંગ્રેસ પાર્ટી સામે કારમી હાર બાદ TDP સત્તામાંથી બહાર થઈ ગઈ હતી.
રાષ્ટ્રીય રાજકારણમાં પ્રભુત્વ
રાજ્યમાં જીત અને હાર અને રાજકીય ઉથલપાથલ છતાં ચંદ્રબાબુ નાયડુનું વર્ચસ્વ અકબંધ રહ્યું. એચડી દેવગૌડા અને આઈ. કે. ગુજરાલની આગેવાની હેઠળની સરકાર દરમિયાન 1996 અને 1998ની ચૂંટણીઓ દરમિયાન તેમણે સંયુક્ત મોરચાનું નેતૃત્વ કર્યું.
વર્ષ 1998માં ચંદ્રબાબુએ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએ સરકારને બિનશરતી સમર્થન આપ્યું હતુ. તેઓ એનડીએના સંયોજક પણ હતા.
વૈશ્વિક બિન-રાજકીય થિંક ટેન્કની સ્થાપના
ચંદ્રબાબુ માત્ર રાજકીય જ નહીં પરંતુ વૈશ્વિક નેતા તરીકે પણ પોતાની છાપ છોડવા માંગે છે. તેમણે એનટીઆર મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી, જેમાં મફત શિક્ષણ, બ્લડ ટ્રાન્સફ્યુઝન સુવિધાઓ આપવામાં આવે છે, આરોગ્ય શિબિરોનું આયોજન અને સશક્તિકરણ તેમજ આજીવિકા કાર્યક્રમોને સમર્થન આપવા જેવા કામ આ ટ્રસ્ટ કરે છે.
વર્ષ 2020માં હૈદરાબાદમાં ચંદ્રબાબુ નાયડુએ ગ્લોબલ ફોરમ ફોર સસ્ટેનેબલ ટ્રાન્સફોર્મેશન (GFST)ની સ્થાપના કરી. જેનો ઉદ્દેશ અર્થતંત્ર અને સમુદાયોમાં સ્થિરતાને પ્રોત્સાહન આપવાનો છે.








