અખિલેશ યાદવ લડી શકે છે લોકસભા ચૂંટણી, સમાજવાદી પાર્ટી કન્નૌજ બેઠક પર ઉમેદવાર બદલી શકે
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ કન્નૌજ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. કન્નૌજ બેઠક પર તેજ પ્રતાપ યાદ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ કન્નૌજ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. કન્નૌજ બેઠક પર તેજ પ્રતાપ યાદવની ટિકિટ કપાઇ શકે છે.
કહેવામાં આવે છે કે મૈનપુરીના સાંસદ રહી ચુકેલા તેજ પ્રતાપ યાદવ આ વખતે ચૂંટણી લડવા માંગે છે, તેના માટે તેમણે અખિલેશ અને ડિમ્પલ યાદવને માંગ કરી હતી. તે લાલુ પ્રસાદ યાદવના નાના જમાઇ છે. લાલુની દીકરી રાજલક્ષ્મીના તેમની સાથે લગ્ન થયા છે. તેજ પ્રતાપને ટિકિટ આપવા માટે લાલુ પ્રસાદ યાદવે અખિલેશ યાદવ સાથે વાત કરી હતી.
તેજ પ્રતાપનું નોમિનેશન ટળ્યું
તેજ પ્રજાપ આજે કન્નૌજ જઇને નોમિનેશન ભરવાનું હતું પરંતુ હવે આ ટાળી દેવામાં આવ્યું છે. અખિલેશ યાદવ 25 એપ્રિલે કન્નૌજથી નોમિનેશન ફોર્મ ભરી શકે છે. કન્નૌજ બેઠક પર તેજ પ્રતાપને મેદાનમાં ઉતારવામાં આવતા અખિલેશ યાદવના આ નિર્ણયથી સ્થાનિક નેતાઓ નારાજ છે. સોમવાર રાતથી જ કન્નૌજના પાર્ટી નેતા સતત અખિલેશ યાદવને મળીને ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યાં છે.
અખિલેશ યાદવે 24 કલાકનો સમય માંગ્યો
અખિલેશ યાદવને મળીને બહાર નીકળેલા નેતાઓએ કહ્યું કે, અખિલેશ યાદવે 24 કલાકમાં નિર્ણય કરવાનો વિશ્વાસ આપ્યો છે. અત્યારે કન્નૌજમાં ભાજપના સુબ્રત પાઠક સાંસદ છે. તે ભાજપના ઉમેદવાર પણ છે. તાજેતરમાં અખિલેશ યાદવે કેટલીક વખત કન્નૌજનો પ્રવાસ પણ કર્યો હતો.
મૈનપુરીના સાંસદ રહ્યાં છે તેજ પ્રતાપ
તેજ પ્રતાપ યાદવ મૈનપુરીના સાંસદ રહી ચુક્યા છે. જ્યારે નેતાજી મુલાયમ સિંહ યાદવે 2014ની ચૂંટણીમાં બે બેઠક આઝમગઢ અને મૈનપુરીથી ચૂંટણી લડી હતી અને બન્ને બેઠક પર જીતી ગયા હતા, તે બાદ તેમણે મૈનપુરી બેઠક છોડી દીધી હતી, જેના પર પેટા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ તેજ પ્રતાપને મેદાનમાં ઉતાર્યા હતા અને તે પ્રથમ વખત સાંસદ બન્યા હતા. જોકે, 2019ની ચૂંટણીમાં તેજ પ્રતાપને ટિકિટ આપવામાં આવી નહતી અને મૈનપુરીથી મુલાયમસિંહ યાદવે ચૂંટણી લડી હતી. જ્યારે મુલાયમસિંહ યાદવનું નિધન થયું તે બાદ આ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ડિમ્પલ યાદવે જીત મેળવી હતી.








