જમ્મુ કાશ્મીર/ રિયાસી અને કઠુઆ પછી ડોડામાં આતંકી હુમલો, અથડામણમાં એક આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ વધુ એક હુમલો કર્યો છે. મંગળવારે (11 જૂન 2024)ની રાત્રે આતંકવાદીઓએ ડોડા જિલ્લામ

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ વધુ એક હુમલો કર્યો છે. મંગળવારે (11 જૂન 2024)ની રાત્રે આતંકવાદીઓએ ડોડા જિલ્લામાં આર્મીના ટેમ્પરરી ઓપરેટિંગ બેઝ (TOB) પર હુમલો કર્યો અને ફાયરિંગ શરૂ કર્યું. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે આતંકવાદીઓની ગોળીઓથી એક નાગરિક ઘાયલ થયો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે મંગળવારે આ હુમલાની માહિતી આપી હતી.
અથડામણમાં એક આતંકી ઠાર
આ હુમલા અંગે જમ્મુના ADGP આનંદ જૈને જણાવ્યું હતું કે, અથડામણમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે, તો બીજી તરફ સ્થાનિક નાગરીક ઘાયલ થયો છે. ઘાયલ નાગરીકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સુરક્ષાદળોનું ઓપરેશન હજુ પણ ચાલુ છે, ટોચના અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર છે અને તમામ સ્થિતિઓ પર નજર રાખી રહ્યા છે. રિયાસી અને કઠુઆ પછી ડોડામાં આતંકી હુમલો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં જમ્મુ- કાશ્મીર ક્ષેત્રમાં આ ત્રીજો આતંકી હુમલો છે.
મંગળવાર રાતથી આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
જમ્મુ ડિવિઝનના અલગ-અલગ જિલ્લામાં મંગળવારે રાતથી આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુના સાંબા જિલ્લાના હીરાનગરના સાવલ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, જ્યાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે જ્યારે બીજાની શોધ ચાલી રહી છે. બીજુ એન્કાઉન્ટર જમ્મુના ડોડા જિલ્લાના છત્રકલા વિસ્તારમાં ચાલી રહી છે.
સોમવારે સાંજે લગભગ 7.55 વાગ્યે જમ્મુના કઠુઆ જિલ્લાના હીરાનગર વિસ્તારના સૈદા ગામમાં બેથી ચાર સશસ્ત્ર આતંકવાદીઓ જોવા મળ્યા હતા. બે આતંકવાદીઓએ સૌદા ગામમાં એક ઘરનો દરવાજો ખટખટાવ્યો અને તે ઘરની મહિલા પાસે પાણી માંગ્યું. જ્યારે મહિલાએ પાણી આપવાની ના પાડી ત્યારે બંને આતંકીઓ આ મહિલાની બાજુમાં રહેતા ઓમકારના ઘરના ગેટ પર ગયા હતા. અહીં પહોંચતા જ તેમણે દરવાજા પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગમાં ઓમકારને હાથ પર ગોળી વાગી હતી.
આતંકવાદીઓએ ત્યાંથી બાઇક પર જઇ રહેલા એક કપલને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો
આતંકવાદીઓએ ત્યાંથી બાઇક પર જઇ રહેલા એક કપલને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ભાગી છૂટ્યા હતા. આતંકવાદીઓએ 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો અવાજ સાંભળીને નજીકના ગ્રામજનોએ સુરક્ષા દળોને જાણ કરી હતી. જે બાદ પોલીસ અને સુરક્ષા દળો અહીં પહોંચ્યા હતા. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલે સોશીયલ મીડિયામાં એક પોસ્ટ પણ મૂકી છે.
છત્રકલા વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને આર્મીના અસ્થાયી ઠેકાણા પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ ત્યાં અથડામણ શરૂ થઈ હતી. જમ્મુમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ એન્કાઉન્ટર થયા છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ સતત સંપર્કમાં
કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે આ હુમલા અંગે સોશીયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે “આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હીરાનગર સેક્ટરના સૈદા ગામમાં એક ઘર પર થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને હું ડીસી કઠુઆ રાકેશ મિન્હાસ સાથે સતત ઓનલાઈન સંપર્કમાં છું.
હું ડીસી કઠુઆ રાકેશ મિન્હાસ સાથે સતત ઓનલાઈન સંપર્કમાં
હું ઘટનાસ્થળે રહેલા એસએસપી કઠુઆ અનાયત અલી ચૌધરી સાથે પણ સંપર્કમાં છું. જે ઘર પર હુમલો થયો હતો તેના માલિક સાથે પણ ફોન પર વાત કરી હતી. આતંકીઓને શોધવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં એક આતંકી માર્યો ગયો છે. હું અને મારી ઓફિસ સતત સંપર્કમાં છીએ અને ઘટનાક્રમ પર નજીકથી નજર રાખીએ છીએ.








