IIT પાસ કરનારા પણ રહી ગયા બેરોજગાર, 38 ટકા વિદ્યાર્થીને ન મળી નોકરી, RTIમાં થયો ખુલાસો
IITમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. કઠિન પરીક્ષા પાસ કર્યા બાદ દેશની આ પ્રતિષ

IITમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. કઠિન પરીક્ષા પાસ કર્યા બાદ દેશની આ પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ મેળવી જીવનની એક જંગ જીત્યા સમાન લાગણી અનુભવે છે. પરંતુ સાચી પરીક્ષા તો પ્રવેશ મેળવ્યા બાદ જ શરૂ થાય છે. IITમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કેમ્પસ પ્લેસમેન્ટમાં નોકરી ન મળી રહી હોવાના ચોંકાવનારા આંકડાઓનો ખુલાસો RTIમાં થયો છે.
2024ના આંકડાઓ અનુસાર, IITના તમામ 23 કેમ્પસમાં આશરે 38 ટકા વિદ્યાર્થીઓને હજી સુધી નોકરી નથી મળી. IIT દિલ્હીમાં વિદ્યાર્થીઓ પોતાના સિનિયર્સને મેઈલ કરી નોકરી અપાવવા ભલામણો કરે છે, મદદ માંગે છે. IIT બોમ્બે અને બિરલા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સના વિદ્યાર્થીઓએ પણ સિનિયર્સ પાસે મદદ માંગી છે.
IIT દિલ્હીમાં 2023-24નું પ્લેસમેન્ટ સેશન પૂર્ણ થવા જઈ રહ્યું છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ તેમાં નોકરી મેળવી શક્યા નથી. આશરે 400 વિદ્યાર્થીઓને અત્યાર સુધી નોકરી નથી મળી.
બિરલા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સે પ્રથમ વખત બે મહિના પહેલા પોતાના સિનિયર વિદ્યાર્થીઓ પાસે મદદ માંગી છે. IIT બોમ્બે એ પણ સિનિયર વિદ્યાર્થીઓનો સંપર્ક સાધ્યો છે.
આ કોલેજોમાં પ્લેસમેન્ટ હજુ ચાલુ છે અને જૂનના અંત સુધી ચાલુ રહેશે. પ્લેસમેન્ટમાં ભાગ લેનાર બેચના લગભગ 10% વિદ્યાર્થીઓને હજુ સુધી નોકરી મળી નથી. RTI અનુસાર, ગયા વર્ષે 329 વિદ્યાર્થીઓને નોકરી મળી ન હતી.
BITS ગ્રુપના વાઇસ ચાન્સેલર વી રામગોપાલ રાવે જણાવ્યું હતું કે, "દરેક જગ્યાએ પ્લેસમેન્ટ 20થી 30 ટકા ઓછું થયું છે. જો કોઈ સંસ્થા એવું કહેતી હોય કે તમામ વિદ્યાર્થીઓને નોકરીઓ મળી ગઈ છે, તો નોકરીઓની ગુણવત્તા યોગ્ય નથી. આ પહેલું વર્ષ છે જ્યારે ChatGPT અને લેંગ્વેજ મોડેલે પોતાના પ્રભાવ રજૂ કર્યો છે. આ વર્ષે 23 IITમાં 7,000થી વધુ વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટના માધ્યમથી નિમણૂક કરવાની બાકી છે. બે વર્ષ પહેલા 3400 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ ન હતું થયું. પ્લેસમેન્ટમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1.2 ગણી વધી છે.








