અમદાવાદના ઉસ્માનપુરામાં ગટર સફાઈ દરમિયાન યુવકનું મોત, સુરક્ષા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ઉસ્માનપુરા વિસ્તારમાં એક યુવાન કામદારનું ગટર સફાઇ દરમિયાન મ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ઉસ્માનપુરા વિસ્તારમાં એક યુવાન કામદારનું ગટર સફાઇ દરમિયાન મોત થયું છે.પતરાની આડાશ મૂકીને ખોદવામાં આવેલા ગટરના ખાડામાં પડી જવાથી યુવકનું મોત નિપજ્યું હતું.
કેવી રીતે બની ઘટના
મળતી માહિતી અનુસાર, ઉસ્માનપુરા અંડરપાસ ખાતે ડ્રેનેજ પ્રોજેક્ટ અંતર્ગત ગટરના રિહેબિલિટેશનની કામગીરી ચાલી રહી હતી, જે સામાન્ય રીતે રાત્રે થતી હતી અને દિવસ દરમિયાન બંધ રહેતી હતી. મૃતક યુવક કોન્ટ્રાક્ટ એજન્સીનો કર્મચારી હતો, જે દિવસ દરમિયાન રિહેબના પીટ (ખાડા) પર દેખરેખ રાખી રહ્યો હતો. આ દરમિયાન અકસ્માતે તે ખાડામાં પડી જતાં મોત થયું હતું. મૃતક યુવકનું નામ અભિષેક હોવાનું અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
યુવકનો મૃતદેહ ગટરમાંથી મળ્યો
સૂત્રોના જણાવ્યાનુસાર, યુવક સવારથી ગુમ હતો, જે અંગે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ગટરમાં પડી ગયો હોવાની શંકાના આધારે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ગટરમાં તપાસ શરૂ કરી હતી અને યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.








