અકસ્માતમાં ડાબાની ચાર આંગળી ને જમણો આખો હાથ ગુમાવનારે એક માત્ર અંગૂઠાના સહારે આ રીતે મેળવ્યો A-1
ગુજરાતી કહેવત છે મન હોય તો માળવે જવાય અને એક પંક્તિ છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડ

ગુજરાતી કહેવત છે મન હોય તો માળવે જવાય અને એક પંક્તિ છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ બંને વાત સુરતના એક વિદ્યાર્થીના જીવનમાં સાર્થક થઈ છે. એકલવ્ય કરતાં પણ વધુ અડગ રહીને એક હાથ જ નહીં અને બીજા હાથમાં પણ માત્ર અંગૂઠો છે. તેમ છતાં જાતે જ પરીક્ષા આપીને ઉચ્ચ પરિણામ લાવી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દ્રઢ મનોબળથી મેળવી સફળતા
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ શાળામાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થી સોડવડિયા મિતવા ભરતભાઈએ ૯૫.૮૩ પર્સંટાઇલ સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મિતવાને ૨૦૧૩માં રમતી વેળા વીજકરંટ લાગ્યો હતો. જેને કારણે એનો જમણો હાથ કાપવો પડ્યો હતો. એટલું જ નહીં ડાબા હાથની ચાર આંગળી પણ કાપવી પડી હતી. જેને કારણે એ ત્યારે હતાશ થઇ ગયો હતો પણ હીરાના કારખાનામાં કામ કરતા પિતા તેમજ પરિવારમાં માતા સહિતની પ્રેરણાથી મન મજબૂત કર્યું. ધો ૧૦માં સ્કૂલના યોગ્ય માર્ગદર્શન અને તથા પોતાના દઢ મનોબળ વડે A1 ગ્રેડ પ્રાપ્ત કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે.
કલેક્ટર બનવું છે
મિતવાએ કોઈ લહિયા વગર જ પેપર જાતે લખીને આ સફળતા લખી છે. મિતવા ચિત્રલેખાને કહે છે, હું પહેલેથી જ ડાબેરી હતો અને મારો ડાબો હાથ સલામત હતો પણ એમાં આંગળી એકપણ ન હતી તેથી લખવામાં તકલીફ પડતી. ૧૦ ધોરણમાં સ્પીડ જરૂરી હોવાથી આખું વર્ષ સ્પીડ વધારવા દરરોજ બે કલાક લેખન કરતો. જેને કારણે એમાં જ રીવિઝન પણ થઇ જતું. મિતવા અંગૂઠો અને હથેળીનો સહારો લઈને લખે છે. હવે એને ખૂબ મહેનત કરીને કલેકટર બનવાની ઈચ્છા છે.
દુઃખ બાદ હરખના આંસુ-માતા
મિતવાની માતા દયાબેનએ કહ્યું કે, એ પાંચ વર્ષનો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. રમતો હતો. શોક લાગ્યો અને 2 મહિનાને 22 દિવસ સુધી હોસ્પિટલ રહ્યો હતો. તેને અસહ્ય પીડા થતી હતી. પરૂ અને લોહીના ખાબિચાયમાં હતો. અમને થતું કે ભગવાને તેને આ પીડામાંથી મુક્તિ આપે તો સારું. અમે સતત આંસુ પાડતા હતાં. હું અને તેના રત્નકલાકાર પિતા સતત રાતોના ઉજાગરા કરતાં હતાં. અમારે તેનું સતત ધ્યાન રાખવું પડતું હતું. ચહેરો વિકૃત થઈ ગયો હતો. શું કરવું એ ખબર પડતી નહોતી. દુઃખથી જે આંખમાં આંસુ આવતાં હતાં. તે આંખમાં હવે હરખના આંસુ આવી રહ્યાં છે.
માર્ગદર્શન પ્રમાણે મહેનત કરી
શાળાના આચાર્ય ગિરીશ ખોયાણી અને સંચાલક દીપક ભડિયાદરાએ કહ્યું કે, આ વિદ્યાર્થીમાં આત્મબળ ખૂબ છે. એડમિશન આપ્યું ત્યારે અમને તેની હિંમતનો પરિચય નહોતો. પરંતુ અમે જે રીતે માર્ગદર્શન આપ્યું તેને તેણે જીલી લીધુ હતું. વહેલા ઊઠીને લખે. લખવાની સ્પીડ શરૂઆતમાં ધીમી હતી. પરંતુ સતત પ્રેક્ટિસ કરી. અમે તેને કાગળ ઉડે તો કેવી રીતે સંભાળવો. કારણ કે બે હાથ વાળા વિદ્યાર્થી મેનેજ કરી શકે. એક હાથ અને તે પણ આંગળી વગરનો. ત્યારે અમે એકે એક નાની નાની બાબતોનું ધ્યાન રાખ્યું હતું. આજની આ સફળતા જોતા તમામની મહેનત રંગ લાવી હોય તેવું લાગી રહ્યું છે.








