મારઝૂડ, બે વાર ગર્ભપાત, અમદાવાદમાં પતિના ત્રાસથી પત્નીનો આપઘાત
Ahmedabad News : અમદાવાદમાં ફરી એક વાર પતિનાં ત્રાસથી કંટાળીને પત્નીએ જીવન ટૂંકાવ્યું હોવાન

Ahmedabad News : અમદાવાદમાં ફરી એક વાર પતિનાં ત્રાસથી કંટાળીને પત્નીએ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. ઘાટલોડિયા વિસ્તારમાં આ બનાવ બન્યો છે. આપઘાત કરનાર યુવતીના પિતાએ જમાઈ સામે આત્મહત્યાની દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
6 મહિના પહેલાં જ થયા હતા લગ્ન
મહારાષ્ટ્રમાં રહેતા 68 વર્ષીય સુરેશ મિશ્રાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓની 37 વર્ષની દિકરી પલ્લવીનાં લગ્ન અગાઉ વર્ષ 2012માં પુના થયા હતા. જો કે મનમેળ ન રહેતા છૂટાછેડા લીધા હતા. વર્ષ 2022માં મેટ્રીમોનિયલ સાઈટ થકી ગીરીરાજ બદ્રીનારાયણ શર્મા સાથે સંપર્ક થયો હતો. ગત 27 માર્ચ 2024નાં રોજ પલ્લવી અને ગીરીરાજે મંદિરમાં ફુલહારથી લગ્ન કર્યા અને 1 એપ્રિલ 2024નાં રોજ કોર્ટ મેરેજ કર્યા હતા.
આ પણ વાંચો : રાજકોટમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
લગ્નનાં એકાદ મહિના બાદથી ગીરીરાજ ઘરમાં નાની નાની બાબતોમાં ઝઘડો કરતો હતો. પલ્લવી શાકભાજી લેવા કે અન્ય કામે બહાર જાય તો તેના પર શંકા કરતો હતો. ગીરીરાજ પલ્લવીને સારી રીતે રાખતો ન હતો, જેના કારણે બે વાર પલ્લવીને ગર્ભપાત થઈ ગયા હતા. પલ્લવીએ નોકરી શરૂ કરતા પતિએ ઘરનો તમામ ખર્ચ તેને કરવો પડશે તેમ કહી પૈસા ન આપી કરી મારઝૂડ કરી ત્રાસ આપ્યો હતો.
દવાઓ ખાઈને માતાને વ્હોટ્સએપ પર મેસેજ કરી આત્મહત્યાની જાણ કરી
ગત 8 નવેમ્બરનાં રોજ પલ્લવીએ માતાને વ્હોટ્સએપ પર મેસેજ કરી પોતે અલગ અલગ દવાઓ ખાઈ લીધી હોવાની અને બેડનાં નીચે સુસાઈડ નોટ મુકી છે, પોલીસ પુછે તો કહી દેજો તેવું જણાવ્યું હતું. પલ્લવીના માતાપિતાએ ઘાટલોડિયા પોલીસને જાણ કરી હતી. ઘાટલોડિયામાં સંકલ્પ રો હાઉસ ખાતે પોલીસે તપાસ કરતા પલ્લવીનો આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અંતે આ મામલે ઘાટલોડિયા પોલીસ મથકે ગીરીરાજ શર્મા સામે આત્મહત્યા દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.








