નસવાડી પાણી પૂરવઠા વિભાગનો અંધેર વહિવટ, સંપ બનાવ્યાના 7 વર્ષે પણ પોચંબા નથી પહોંચ્યુ પાણી
નસવાડી તાલુકાના વાઘીયા ગામે પોચમ્બા પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચાડવા માટે સાત વર્ષ પહેલા સંપ બનાવ્યો હત

નસવાડી તાલુકાના વાઘીયા ગામે પોચમ્બા પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચાડવા માટે સાત વર્ષ પહેલા સંપ બનાવ્યો હતો. તેમાં એક પણ ટીપું પાણી ગામ પહોંચ્યું નથી. ત્યારે હવે પાણી પૂરવઠા વિભાગ દ્વારા આ સંપથી 25 મીટર દૂર નવો સંપ બનાવવામાં આવી રહ્યો છે. સરકારના નાણાં આ રીતના અધિકારીઓ વેડફી રહ્યા છે. પાણી પૂરવઠા વિભાગમાં અંધેર વહીવટ ચાલી રહ્યો છે, તેનો આ વરવો નમૂનો છે.
સંપ શોભાના ગાઠિયા સમાન
નસવાડી તાલુકાના પોચમ્બા પાણી પૂરવઠા યોજનામાં 119 ગામોને પોચમ્બા પાણી પૂરવઠા યોજનામાં ફિલ્ટર વાળું પાણી ગામે ગામ પહોંચે તે માટે સરકારે સાત વર્ષ પહેલા 50 કરોડથી વધુના ખર્ચે પાઈપ લાઈન સંપ અને ટાંકીઓ બનાવી હતી. જેમાં અમુક ગામોમાં પોચમ્બા પાણી પૂરવઠા યોજનાનું પાણી પહોંચ્યું નથી. જયારે નસવાડી તાલુકાના વાઘીયા ગામે સાત વર્ષમાં એક પણ ટીપું પાણી સંપમાં ન પહોંચતા આજે આ ગામમાં બનાવવામાં આવેલા સંપ શોભાના ગાંઠિયા સમાન છે. જેમાં મોટર વીજ મીટર લગાવવામાં આવેલા છે. પરંતુ પાણી જ ન પહોંચતા સાત વર્ષથી લાઈટ બિલ પણ એમને એમ જ સરકાર ભરે છે. જયારે અધિકારીઓ ગામડાઓની મુલાકાત લેતા નથી અને પાણીપુરવઠા વિભાગ દરવર્ષે 119 ગામોને ફિલ્ટર વાળું શુદ્ધ પાણી મળે તે માટે બે કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવે છે. ત્યારે હાલ તો આ સંપમાં પાણી પહોંચ્યું નથી. સરકારે 44 કરોડની 24 ગામોને પીવાના પાણી મળે તે માટે બીજી ગ્રાન્ટ ફાળવતા તેમાંથી નવો સંપ બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
બીજા સંપનું નિર્માણ ખાડામાં
આદિવાસી વિસ્તારમાં આવી રીતના પાણી પૂરવઠા વિભાગ કામગીરી કરી રહી છે. જયારે એક સંપમાં પાણી પહોંચ્યું જ નથી. ત્યારે બીજો સંપ બનાવીને સરકારના નાણાંનો વેડફાટ કરી રહી છે. હાલ તો ગ્રામજનોનો આક્ષેપ છે કે, અમારા ગામમાં ઉનાળાના સમયે વોટરવર્કસના બોર સૂકાઈ જાય ત્યારે પશુઓને પાણી પીવડાવવાની મુશ્કેલી પડે છે. અમારા ગામમાં પોચમ્બા પાણી પૂરવઠા યોજનાનું પાણી પહોંચે છે. તેવું કાગળ ઉપર દર્શાવવામાં આવે છે. ત્યારે અધિકારીઓએ ગામની મુલાકાત લઈને સાચી તપાસ કરવી જોઈએ અને બીજો સંપ બનાવવામાં આવે છે. તે ખાડા માં બનાવવામાં આવે છે. આવી કામગીરી કરતા અધિકારીઓ સામે પગલાં ભરાવવા જોઈએ. ઓફિસમાં બેઠા બેઠા વહીવટ કરતા અધિકારીઓ વાઘીયા મહુડા ગામની મુલાકાત લે તે જરૂરી બન્યું છે.








