મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara: વસ્તુ વેચવા બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, 4 ઇજાગ્રસ્ત, 7 વિરૂદ્ધ ગુનો દાખલ

વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે રવિવારે બપોરે કોઈ વસ્તુ વેચવા જેવી સામાન્ય બાબતે એક

Vadodara: વસ્તુ વેચવા બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, 4 ઇજાગ્રસ્ત, 7 વિરૂદ્ધ ગુનો દાખલ

વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે રવિવારે બપોરે કોઈ વસ્તુ વેચવા જેવી સામાન્ય બાબતે એક જ કોમના બે જૂથો સામસામે આવી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. તલવારો અને લાકડીઓ જેવા જીવલેણ હથિયારો સાથે થયેલા આ હુમલામાં ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, લાલબાગ બ્રિજ નીચે કોઈ ખાવાની વસ્તુ વેચવાના વ્યવસાયને લઈ બે પક્ષો વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું.  રવિવારે બપોરે આ મુદ્દે ફરી રકઝક થતા મામલો બિચક્યો હતો. જોતજોતામાં બંને જૂથના લોકો હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ હિંસક અથડામણને પગલે સ્થાનિક બજારમાં નાસભાગ મચી ગઈ હતી અને વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી.

ઇજાગ્રસ્તો અને હુમલાખોરો

આ મારામારીમાં જશપાલસિંહ ટાંક, અર્જુનસિંહ ટાંક અને કાંતિસિંહ દુધાણીને હાથ તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આરોપ છે કે જશપાલસિંહ અને અર્જુનસિંહ પર બચ્ચુંસિંહે તલવાર વડે હુમલો કર્યો હતો. કાંતિસિંહ પર પોતુંસિંહે ઘાતક પ્રહાર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા બચુસિંગ, પોનુંસિંગ, આઈસિંગ, અર્જુન, જસપાલ, ક્રાંતિ સિંગ અને એક અજાણ્યા શખ્સ સહિત બંને પક્ષના શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

પોલીસે મારામારી અને હથિયારબંધીના ભંગ બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચાર શેર કરો