મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Vadodara માં બુલેટ સવાર યુવકે ટ્રાફિક પોલીસ સાથે કરી ઝપાઝપી, અકોટા-દાંડિયાબજાર ચાર રસ્તા પાસે મચ્યો હોબાળો

વડોદરાના અકોટા-દાંડિયાબજાર ચાર રસ્તા પાસે શનિવારે સાંજે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ટ્રાફિક ન

વડોદરાના અકોટા-દાંડિયાબજાર ચાર રસ્તા પાસે શનિવારે સાંજે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘન બદલ રોકવામાં આવેલા એક બુલેટ સવાર યુવકે પોલીસ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરતા મામલો ગરમાયો હતો. આ ઘટનામાં એક પોલીસકર્મી અને વાહનચાલક બંને ઈજાગ્રસ્ત થયા છે.

નિયમોનું ઉલ્લંઘન અને પોલીસ સાથે બબાલ

મળતી માહિતી મુજબ, કૌશલસિંહ જાટ નામનો યુવક પોતાની બુલેટ લઈને પસાર થઈ રહ્યો હતો. ટ્રાફિક પોલીસે તેને રોક્યો હતો. તે ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. હેલ્મેટ પહેર્યું ન હતું. બુલેટમાં ગેરકાયદેસર મોડિફાઈડ સાયલેન્સર લાગેલું હતું સાથે બાઈક પર નંબર પ્લેટ પણ ન હતી. 

જ્યારે પોલીસે તેને દંડ ભરાવવા કે કચેરીએ લઈ જવાની વાત કરી, ત્યારે કૌશલે ઉશ્કેરાઈને પોલીસ સાથે ગાળાગાળી શરૂ કરી હતી.

ઝપાઝપીમાં પોલીસકર્મી ઈજાગ્રસ્ત

ટ્રાફિક એસીપી ડી.એમ. વ્યાસના જણાવ્યા અનુસાર, યુવકને સમજાવવા છતાં તે ન માન્યો અને પોલીસ પર હાથ ઉપાડ્યો હતો. આ ઝપાઝપીમાં કૌશલ અને એક પોલીસકર્મી બંનેને ઈજાઓ પહોંચી હતી. મામલો એટલો વધ્યો હતો કે યુવકના માતા-પિતા પણ ઘટનાસ્થળે અને ત્યારબાદ પોલીસ મથકે દોડી આવ્યા હતા, જ્યાં તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો.

પોલીસે નોંધી ફરિયાદ

પોલીસ પર હુમલો અને ફરજમાં રુકાવટના ગંભીર આરોપ હેઠળ રાવપુરા પોલીસ મથકે કૌશલસિંહ જાટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ટ્રાફિક એસીપીએ સ્પષ્ટ કર્યું છે કે ટ્રાફિક નિયમોના અમલીકરણ દરમિયાન પોલીસ સાથે આવું વર્તન સાંખી લેવામાં આવશે નહીં.

આ સમાચાર શેર કરો