Video/ Suratમાં વડોદની પાણીની ટાંકી બની 'જીવતો બોમ્બ', તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવી સ્થિતિ
સુરત જિલ્લાના તડકેશ્વર ખાતે પાણીની ટાંકી ધરાશાયી થવાની ગંભીર ઘટના બાદ પણ સુર


સુરત જિલ્લાના તડકેશ્વર ખાતે પાણીની ટાંકી ધરાશાયી થવાની ગંભીર ઘટના બાદ પણ સુરતનું વહીવટી તંત્ર કોઈ પાઠ શીખ્યું હોય તેમ લાગતું નથી. સુરતના વડોદ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી હાલ અત્યંત જર્જરિત અવસ્થામાં છે અને સ્થાનિકો માટે 'જીવતા બોમ્બ' સમાન બની ગઈ છે. GSTV દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે.
6 મહિના પછી પણ સ્થિતિ જસની તસ
નોંધનીય છે કે, GSTV દ્વારા ગત 31 જુલાઈ 2025ના રોજ પણ આ ટાંકીની ભયાનક સ્થિતિ અંગે અહેવાલ પ્રસારીત કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, છ મહિના વીતી ગયા હોવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. માત્ર દેખાવ ખાતર ટાંકીની આજુબાજુ પાલક બાંધી દેવામાં આવી છે, પરંતુ મૂળભૂત સમારકામમાં તંત્રએ સંતોષ માની લીધો હોય તેવું જણાય છે.
ટાંકીની હાલત અત્યંત ખરાબ
વર્ષ 2015માં લોકાર્પણ કરાયેલી આ ટાંકી માત્ર 10 વર્ષમાં જ ખખડધજ થઈ ગઈ છે. રિયાલિટી ચેકમાં જોવા મળ્યું કે:
-
ટાંકીના દાદર સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયા છે.
-
ટાંકીના ઉપરના ભાગમાં લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે.
-
યોગ્ય સમારકામને બદલે માત્ર 'થીગડા' મારીને કામ ચલાવવામાં આવી રહ્યું છે.
સત્તાધીશોનો લૂલો બચાવ
આ મામલે જ્યારે પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉલજી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી, ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે, "ટાંકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હાલ પાણીનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે."
પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જો ટાંકી જોખમી છે અને તેનો રિપોર્ટ નેગેટિવ છે, તો તેને ઉતારી લેવા માટે તંત્ર કેમ આળસ કરી રહ્યું છે? શું તંત્ર કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે? જો આ ટાંકી ધરાશાયી થશે અને જાનહાની થશે તો તેનો જવાબદાર કોણ? સ્થાનિક રહીશોમાં હાલ આ જર્જરિત ટાંકીને કારણે ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.








