મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Surat માં ટેક્સટાઇલ્સ મેનેજરની વિકૃતિ, બે સગીર બાળકોનું અપહરણ કરી જાતીય સતામણીનો કર્યો પ્રયાસ

સુરતના પોશ ગણાતા ઉમરા વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના બની છે. ઉચ્

તસવીર: gstv

સુરતના પોશ ગણાતા ઉમરા વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના બની છે. ઉચ્ચ હોદ્દા પર કાર્યરત એક ટેક્સટાઇલ્સ મેનેજરે પોતાની વિકૃતિ સંતોષવા માટે બે શ્રમજીવી બાળકોને નિશાન બનાવ્યા હતા. જોકે, બાળકોના હોબાળા અને પોલીસની સતર્કતાને કારણે આ નરાધમ ઝડપાઈ ગયો છે.

ચોકલેટ અને જમવાની લાલચ આપી કર્યું અપહરણ

ઘટનાની વિગતો મુજબ, આરોપીહર્ષ શેઠ, જે એક ટેક્સટાઇલ્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેણે કેવલ સર્કલ પાસેથી બે શ્રમજીવી બાળકો (ઉંમર ૧૧ અને ૧૩ વર્ષ) ને નિશાન બનાવ્યા હતા. આ બાળકો પરિચિત પરિવારના હોવાથી આરોપીએ તેમને વિશ્વાસમાં લીધા હતા. આરોપીએ બાળકોને પોતાના ઘરમાં સાફ-સફાઈ કરવાના બહાને અને બાદમાં ચોકલેટ તેમજ સારા જમવાની લાલચ આપી પોતાની લક્ઝરિયસ કારમાં બેસાડી દીધા હતા.

નિર્વસ્ત્ર કરી વિકૃત આનંદ મેળવવાનો પ્રયાસ

આરોપી હર્ષ શેઠ બંને બાળકોને કારમાં બેસાડી ઉમરા વિસ્તારની એક અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકોને નિર્વસ્ત્ર કરી તેમની સાથે જાતીય સતામણી કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, પોતે પણ નિર્વસ્ત્ર થઈ અણછાજતું વર્તન કરવા જતાં બાળકો ગભરાઈ ગયા હતા અને તેમણે જોરજોરથી હોબાળો મચાવ્યો હતો.

પોલીસે કેવી રીતે ઝડપ્યો?

બાળકોએ હોબાળો મચાવતા આરોપી ગભરાઈ ગયો હતો અને પાપ છુપાવવા માટે તે બંને બાળકોને ફરીથી તેમના ઘર પાસે છોડવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ઉમરા પોલીસને શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે તુરંત કાર્યવાહી કરી હર્ષ શેઠને તેની લક્ઝરિયસ કાર સાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસ કાર્યવાહી

ઉમરા પોલીસે આરોપી હર્ષ શેઠની ધરપકડ કરી તેની સામે અપહરણ અને જાતીય સતામણી (POCSO એક્ટ હેઠળની કલમો સહિત) મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગુનામાં વપરાયેલી લક્ઝરિયસ કાર પણ જપ્ત કરી છે. આ ઘટનાએ સુરતના સભ્ય સમાજમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે.

આ સમાચાર શેર કરો