Suratમાં પાણીની ટાંકી ધરાશાયી મામલે બે કોન્ટ્રાક્ટરોની ધરપકડ, ઝડપાયેલા આરોપી એક બીજાના સગા
સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાએ સમગ્ર રા

સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. આ મામલે રાજ્ય સરકારે કડક વલણ અપનાવતા ત્રણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે જે બાદ તંત્રએ કોન્ટ્રાક્ટર જ્યંતી પટેલ, અંબાલાલની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આ ઘટનામાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપી એક બીજાના સગા સંબંધી હોવાનું ખૂલ્યું છે. સમગ્ર કેસની તપાસ સુરત ગ્રામ્ય DYSP બી.કે વનારને સોંપવામાં આવી છે
શું હતી સમગ્ર ઘટના?
માંડવીના તડકેશ્વર ગામે આસપાસના 34 ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાના હેતુથી અંદાજે ₹95 લાખના ખર્ચે વિશાળ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ જ્યારે પ્રથમ વખત પાણી ભરીને તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે જ આ આખું સ્ટ્રક્ચર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સરકારી નાણાંનો વેડફાટ અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે.
દાખલારૂપ કાર્યવાહી કરવા આદેશ
આ ઘટનાનો પડઘો છેક ગાંધીનગર કેબિનેટ સુધી પડ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે આ મામલાને ગંભીરતાથી લઈ જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. પાણી પુરવઠા મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, "આ અત્યંત ગંભીર બેદરકારી છે. માત્ર સસ્પેન્શનથી કામ નહીં ચાલે; ભ્રષ્ટાચાર આચરનાર એજન્સી અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરનો પોલીસ કેસ દાખલ કરવામાં આવશે. કોઈ પણ કસૂરવારને છોડવામાં આવશે નહીં."






