Video/ સંતરામપુર ન.પા.માં સોલર લાઈટ કૌભાંડના આક્ષેપ, ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લુણાવાડા બાદ હવે સંતરામપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપોન

લુણાવાડા બાદ હવે સંતરામપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને પગલે જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, સત્તાધારી પક્ષના જ કોર્પોરેટર અને પૂર્વ ઉપપ્રમુખ સંદીપ પરમારે પોતાની જ પાલિકાના વહીવટ સામે મોરચો ખોલી સોશિયલ મીડિયા પર ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કર્યા છે.
શું છે સમગ્ર મામલો?
સંતરામપુર નગરપાલિકાના કોર્પોરેટર સંદીપ પરમારે ફેસબુક પર એક વીડિયો જાહેર કરી સનસનાટી મચાવી દીધી છે. આરોપ મુજબ, ગત ૧૫ તારીખે યોજાયેલી કારોબારી સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ, કોઈ પણ પ્રકારના એજન્ડા વગર કે ચર્ચા વગર ₹1.79 કરોડના સોલર લાઈટના કામનો વર્ક ઓર્ડર બારોબાર એક એજન્સીને પધરાવી દેવામાં આવ્યો છે.
'બારોબાર' વહીવટનો આક્ષેપ
સંદીપ પરમારે આક્ષેપ કર્યો છે કે, જે કામ કારોબારીના એજન્ડામાં લેવાયું જ નહોતું અને જેના પર કોઈ ઠરાવ થયો નહોતો, તેનો વર્ક ઓર્ડર ડાયરેક્ટ કેવી રીતે આપી શકાય? તેમણે વધુમાં જણાવ્યું કે, પાલિકાના નિયમ મુજબ કોઈપણ કામ લેતા પહેલા તેને એજન્ડામાં સામેલ કરવું પડે છે અને કોર્પોરેટરોની સહમતિ જરૂરી છે. કર્મચારીઓ પાસે તપાસ કરતા જાણવા મળ્યું કે ચીફ ઓફિસરની સૂચનાથી આ વર્ક ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે, હાલ ચીફ ઓફિસર રજા પર ઉતરી ગયા છે, જે શંકા પ્રેરે છે.
RCM કચેરીમાં રજૂઆતની તૈયારી
પાલિકામાં ચાલતા આ અંધેર વહીવટ અને ભ્રષ્ટાચારના મામલે સંદીપ પરમારે હવે આર.સી.એમ (RCM) કચેરીમાં લેખિત રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. સત્તાધારી પક્ષના જ નેતા જ્યારે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે ત્યારે પાલિકાના વહીવટકર્તાઓ અને સત્તાધીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે, ₹1.79 કરોડના આ કથિત સોલર લાઈટ કૌભાંડમાં ઉચ્ચ સ્તરેથી તપાસ થાય છે કે પછી મામલો દબાવી દેવામાં આવે છે?







