Video/ Mahisagar માં એરંડાની આડમાં ગાંજાની ખેતી ઝડપાઈ: ₹ 2.36 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત!
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિનો મોટો પર્દાફાશ થયો છે. બાલાસિનો
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિનો મોટો પર્દાફાશ થયો છે. બાલાસિનોર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને એરંડાની ખેતીની આડમાં ઉગાડવામાં આવેલી ગાંજાની ખેતી ઝડપી પાડી છે.
કોયબા પાસે શંકાસ્પદ જથ્થો ઝડપાયો
બાલાસિનોર તાલુકાના વડદલાના રત્નાજીના મુવાડા ગામમાં એક ખેતરમાં એરંડાના છોડ વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. બાતમીના આધારે બાલાસિનોર પોલીસની ટીમ ત્યાં પહોંચી અને તપાસ કરતાં ગેરકાયદેસર ગાંજાના છોડ મળી આવ્યા હતા.
મુદ્દામાલ અને ધરપકડ
પોલીસે સ્થળ પરથી કુલ 258 નંગ ગાંજાના છોડ કબજે કર્યા છે. આ જપ્ત કરાયેલા ગાંજાના જથ્થાની બજાર કિંમત આશરે ₹ 2,36,98,000/- (બે કરોડ છત્રીસ લાખ અઠ્ઠાણું હજાર) આંકવામાં આવી છે. આ કેસમાં પોલીસે વાઘજીભાઈ પરમાર નામના એક આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો છે.
એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી
મહીસાગર Dy.S.P. કમલેશ વસાવા (લુણાવાડા) ના જણાવ્યા અનુસાર, પોલીસે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ અંતર્ગત ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ હવે આ વ્યક્તિ ગાંજાના છોડ ક્યાંથી લાવ્યો હતો, આ ગેરકાયદેસર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ કે જૂથ સંડોવાયેલું છે કે કેમ, તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આટલી મોટી માત્રામાં ગાંજાની ખેતી ઝડપાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.








