Video: કમોસમી વરસાદનો કહેર, માછલી પલળી જતાં કરોડોનું નુકસાન, સરકાર પાસે સહાય પેકેજની માંગ
અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તાર જાફરાબાદમાં કમોસમી માવઠાના કારણે માછીમારોને મોટું અને વ્
અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તાર જાફરાબાદમાં કમોસમી માવઠાના કારણે માછીમારોને મોટું અને વ્યાપક નુકસાન થયું છે. ખેતીપાકોની જેમ જ વારંવાર પડતા કમોસમી વરસાદે સાગરખેડૂતોની આજીવિકા છીનવી લીધી છે અને તેમને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.
બોમ્બે ડગ (બુબલા) માછલીને મોટું નુકસાન
જાફરાબાદ બંદર માછલીના વેપાર માટે જાણીતું છે, જ્યાં બોમ્બે ડગ (બુબલા) માછલી(Bombay Dag Fish)ની આવક મોટા પ્રમાણમાં રહેતી હોય છે. આ માછલીને દૂર-દૂરના વેપારીઓ ખરીદે તે પહેલાં તેને સુકવીને વેચવી પડે છે. જોકે, સિઝનની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં અનેકવાર કમોસમી વરસાદ પડવાને કારણે આ સુકવેલી માછલીઓ પલળી ગઈ છે.
કોળી સમાજ બોટ એસોસિયેશનના પ્રમુખ હમીરભાઈ સોલંકીએ જણાવ્યું કે, વારંવાર માછલી પલળી જતાં તેને દરિયામાં ફેંકી દેવાની ફરજ પડી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડી રહેલા માવઠાએ તો માછીમારોની કમર જ તોડી નાખી છે.
ખર્ચ વધ્યો, આવક શૂન્ય
એક તરફ કુદરતનો માર છે, તો બીજી તરફ માછીમારોનો ખર્ચ પણ સતત વધી રહ્યો છે. માછીમારોને મોંઘા ભાવનું ડીઝલ વાપરવું પડે છે. માછલી સાચવવા માટે બરફનો ખર્ચ થાય છે. બોટ પર કામ કરતા ખલાસીઓનો પગાર પણ બમણો ચૂકવવો પડી રહ્યો છે. આમ, તમામ પ્રકારના ખર્ચ કર્યા બાદ જ્યારે તૈયાર માછલી વરસાદમાં પલળી જાય અને ફેંકી દેવી પડે, ત્યારે માછીમારો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે.
સાગરખેડૂની સરકાર સમક્ષ માંગ
માછીમારોને વારંવારના નુકસાનમાંથી ઉગારવા માટે હવે સાગરખેડૂઓએ સરકાર સમક્ષ સહાય પેકેજની માંગ ઉઠાવી છે. જે રીતે સરકાર ધરતીપુત્રોને સહાય પેકેજ આપે છે, તે જ રીતે માછીમારોને પણ વળતરરૂપી સહાય પેકેજ તાત્કાલિક જાહેર કરવું જોઈએ.
કમોસમી વરસાદની આ આફતે જાફરાબાદના માછીમારી ઉદ્યોગને મોટો ફટકો આપ્યો છે અને સરકારી સહાય વિના આ મુશ્કેલીમાંથી બહાર આવવું તેમના માટે અશક્ય છે.







