મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર પર હુમલો, સરગવાડામાં લાકડી-પાઇપ વડે માર, ચાર ઇજાગ્રસ્ત

જૂનાગઢ મહાનગરપાલિકા હેઠળ ભૂગર્ભ ગટરની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ

જૂનાગઢ મહાનગરપાલિકા હેઠળ ભૂગર્ભ ગટરની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ પર સરગવાડા વિસ્તારમાં હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ટ્રેક્ટર ભટકાવાના મુદ્દે થયેલી બબાલ ઉગ્ર બની જતાં કોન્ટ્રાક્ટરના સુપરવિઝન સ્ટાફ સહિત ચાર લોકોને બેરહેમીથી માર મારવામાં આવ્યો છે, જેમને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ટ્રેક્ટર અથડાતાં મામલો બિચકાયો

પ્રાપ્ત માહિતી અનુસાર, સરગવાડા વિસ્તારમાં એક મકાનને  ટ્રેક્ટર ભટકાતાં નુકસાન થયું હતું. મકાનમાલિક સહિતના સ્થાનિકોને એવો વહેમ ગયો કે આ નુકસાન ભૂગર્ભ ગટરની કામગીરી કરતી એજન્સીના ટ્રેક્ટર વડે થયું છે. આ મુદ્દે મકાનમાલિક અને કોન્ટ્રાક્ટરના માણસો વચ્ચે જોરદાર બબાલ શરૂ થઈ હતી.

આ બબાલ એટલી હદે વધી ગઈ કે સરગવાડાના અમુક લોકોએ એકઠા થઈને લાકડી, પાઇપ વડે ગટરની કામગીરીનું સુપરવિઝન કરી રહેલા કોન્ટ્રાક્ટરના લોકોને બેરહેમીથી માર માર્યો હતો.

ચાર ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં ખસેડાયા

આ હુમલામાં કુલ ચાર લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હુમલો કરનારા આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો