Video/ Dang સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી: સુરતના બે સાયબર માફિયાઓ ઝડપાયા, આંતરરાષ્ટ્રીય કનેક્શનનો ખુલાસો
ડાંગ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે એક અત્યંત જટિલ અને આંતરરાષ્ટ્રીય સ્તરના સાયબર
ડાંગ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે એક અત્યંત જટિલ અને આંતરરાષ્ટ્રીય સ્તરના સાયબર ફ્રોડનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. કરોડો રૂપિયાના સાયબર ક્રાઇમ કેસમાં સંડોવાયેલા સુરતના બે શખ્સોની ધરપકડ કરી ડાંગ પોલીસે ઇન્ટરનેશનલ સાયબર માફિયાઓ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.
કેવી રીતે કરતા હતા છેતરપિંડી?
પકડાયેલા આરોપીઓ '1203 ENAM Shanti Yatra' અને 'Nuvama T49 Tred Observation Group' નામના વોટ્સએપ/ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હતા. આ ગ્રુપના માધ્યમથી તેઓ લોકોને શેરબજાર કે અન્ય સ્કીમોમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી ટૂંકા સમયમાં સારો નફો આપવાની લોભામણી લાલચ આપતા હતા. જ્યારે ફરિયાદીએ વિશ્વાસમાં આવીને મોટી રકમ રોકી, ત્યારે આ શખ્સોએ છેતરપિંડી આચરી હતી.
સુરત થી દુબઈ સુધી ક્રિપ્ટો કરન્સીનું કનેક્શન
પોલીસની ટેકનિકલ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા રૂપિયાને આરોપીઓ સુરતથી દુબઈ ટ્રાન્સફર કરતા હતા. આ ટ્રાન્ઝેક્શન બેંક દ્વારા નહીં પરંતુ USDT (ક્રિપ્ટો બાયનાન્સ) માં કન્વર્ટ કરીને કરવામાં આવતું હતું, જેથી પોલીસની નજરમાંથી બચી શકાય. જોકે, ડાંગ સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.
આરોપીઓની ધરપકડ
પોલીસે આ મામલે ગૌરવ સવજીભાઇ કાકડીયા અને ચેતનભાઇ ગોરધનભાઇ ગાંગાણી (બંને રહે. સુરત) ની ધરપકડ કરી છે. ડાંગના ડિવાયએસપી (DySP) જનેશ્વર નલવૈયાએ જણાવ્યું હતું કે, આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતોની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.








