Video/ યુવતીની લીલા તોરણે જાન પરત મોકલનાર શિક્ષકનો પર્દાફાશ, સાગરીત શિક્ષિકાની ધરપકડ
રાજકોટમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ અને ખંડણીનો મામલો હવે નવો વળાંક
રાજકોટમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ અને ખંડણીનો મામલો હવે નવો વળાંક લઈ રહ્યો છે. દુષ્કર્મ આચરનાર શિક્ષક મુકેશ સોલંકી અને તેની સાગરીત પ્રીતિ ઘેટીયા યુવતીના લગ્ન તોડવા માટે જે પાર્ટી પ્લોટમાં ઘૂસ્યા હતા, તેના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે સમગ્ર ઘટનાની ગંભીરતા દર્શાવે છે.
શિક્ષકો દ્વારા દુષ્કર્મ, ધમકી અને ખંડણી
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પ્રાથમિક શાળાના શિક્ષક મુકેશ સોલંકી જે પડધરીના રોહિશાળા ગામમાં ફરજ બજાવે છે. તેની સામે 35 વર્ષીય પીડિત યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પીડિત યુવતીના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાની એક પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પ્રીતિ ઘેટીયા મારફત તે આરોપી મુકેશ સોલંકીના સંપર્કમાં આવી હતી. મુકેશ સોલંકીએ યુવતી સાથે સબંધ બાંધીને તેના ન્યૂડ ફોટો અને વીડિયો બનાવી લીધા હતા. બાદમાં આ ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. મુકેશ સોલંકીએ ધમકી આપીને યુવતી પાસેથી 4 લાખથી વધુની રકમ પણ પડાવી હતી.
પીડિતાને મુકેશ સોલંકી સાથે સંપર્ક થયાના 6 મહિના બાદ ખ્યાલ આવ્યો કે તે પરણિત છે અને તેને 13 વર્ષની દીકરી પણ છે.
પાર્ટી પ્લોટમાં ઘૂસ્યા હતા, તેના CCTV ફૂટેજ
સૌથી ગંભીર ઘટના ગત 23 નવેમ્બરના રોજ બની હતી. જ્યારે યુવતીનો લગ્ન સમારંભ યોજાયો હતો, ત્યારે મુકેશ સોલંકી અને તેની સાગરીત પ્રીતિ ઘેટીયા (બ્લેક શર્ટમાં) બંને પાર્ટી પ્લોટમાં ઘૂસી ગયા હતા. આરોપી મુકેશ સોલંકીએ ભાવિ વરરાજાને ધમકી આપતાં લગ્ન તૂટી ગયા હતા અને જાન લીલા તોરણે પરત ફરી હતી, જેના કારણે યુવતી અને તેનો પરિવાર પડી ભાંગ્યો છે. મુકેશ સોલંકીએ યુવતીને ચાર્જિંગ વાયર વડે માર પણ માર્યો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર, ખંડણી, માર મારવા અને ગુનાહિત કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
મુખ્યમંત્રી પાસે મદદની માંગ
પીડિત યુવતીએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી વર્ણવીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે મદદની માંગ કરી છે. યુવતીઓને ફસાવનાર આવા શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તેણે માંગ કરી છે. પોલીસે હાલમાં પ્રીતિ ઘેટીયાની ધરપકડ કરી લીધી છે અને મુખ્ય આરોપી મુકેશ સોલંકીની શોધખોળ શરૂ કરી છે







