Video/ Amreli ના વડિયામાં પ્રોફેસર વિહોણી સરકારી કોલેજમાં વિદ્યાર્થીઓનું હલ્લાબોલ, 109 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ
અમરેલી જિલ્લાના વડિયાની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રોફેસરોની અછતને લઈને આજે વિદ્યા


અમરેલી જિલ્લાના વડિયાની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રોફેસરોની અછતને લઈને આજે વિદ્યાર્થીઓએ ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. કોલેજ શરૂ થયાને પાંચ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં કાયમી પ્રોફેસરોની નિમણૂક ન થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઓર્ડર હોવા છતાં પ્રોફેસરો ગેરહાજર
ચોંકાવનારી વિગતો એવી છે કે, અમદાવાદથી ત્રણ પ્રોફેસરોને વડિયા કોલેજમાં હાજર થવાના ઓર્ડર આપવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી એકપણ પ્રોફેસરે ફરજ સંભાળી નથી. માત્ર દોઢ મહિના બાદ પરીક્ષાઓ શરૂ થવાની છે, ત્યારે અભ્યાસક્રમ પૂર્ણ ન થતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે. હાલ કોલેજમાં માત્ર ઈકોનોમિક વિષયના એક જ પ્રોફેસર લેક્ચર લે છે, જ્યારે અન્ય વિષયોના વિદ્યાર્થીઓ રામભરોસે છે.
ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અને વહીવટી ઉદાસીનતા
વડિયા કોલેજમાં કાયમી પ્રિન્સિપાલ પણ નથી; બાબરા સરકારી કોલેજના પ્રિન્સિપાલ અહીં ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. સરકાર દ્વારા સંપૂર્ણ મહેકમ મંજૂર કરી દેવામાં આવ્યું હોવા છતાં, પ્રિન્સિપાલ દ્વારા હજુ સુધી વિઝિટિંગ કે કામચલાઉ લેક્ચરરની ભરતી કરવામાં પણ ઉદાસીનતા દાખવવામાં આવી હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યા છે.
109 વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું
કોલેજના પ્રથમ વર્ષમાં આર્ટસ અને કોમર્સના મળી કુલ 109 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો તાત્કાલિક પ્રોફેસરોની નિમણૂક નહીં કરવામાં આવે તો પરીક્ષામાં તેમને મોટું નુકસાન થશે. 'ભણે ગુજરાત'ના સૂત્રો વચ્ચે અમરેલીના છેવાડાના વિસ્તારોમાં શિક્ષણની આ સ્થિતિ વહીવટી તંત્રની પોલ ખોલી રહી છે.






