Video/ સાવલી-આણંદ રૂટ પર ST બસની અસુવિધા, રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ મોક્ષી પાસે બસ રોકી કર્યું ચક્કાજામ
વડોદરા જિલ્લાના સાવલીથી આણંદ તરફ જતી બસોમાં અપૂરતી સુવિધા અને ઓછી ફાળવણીના
વડોદરા જિલ્લાના સાવલીથી આણંદ તરફ જતી બસોમાં અપૂરતી સુવિધા અને ઓછી ફાળવણીના કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી રહી છે. આખરે રોજિંદી હાલાકીથી કંટાળીને સાવલી તાલુકાના મોક્ષી તથા આસપાસના ગામોના વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને રસ્તા પર ઉતરી આવીને ચક્કાજામ કર્યો હતો.
બસ રોકીને રસ્તા પર ઉતર્યા વિદ્યાર્થીઓ, ટ્રાફિક જામ
લાંબા સમયથી આ રૂટ પર બસોની સંખ્યા ઓછી હોવાને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ અને રોજિંદી અવર-જવરમાં બસોમાં ભારે ભીડનો સામનો કરવો પડે છે. એસ.ટી. બસની યોગ્ય સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને ભારે તકલીફ પડી રહી છે. સુવિધાના અભાવથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આજે બસ અટકાવી હતી અને રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો.
વિદ્યાર્થીઓના આ રસ્તા રોકો આંદોલનને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેને કારણે તંત્ર દોડતું થયું હતું.
સ્થાનિક અગ્રણીએ વિદ્યાર્થીઓને આપ્યો સાથ
વિદ્યાર્થીઓના વિરોધની જાણ થતા જ સ્થાનિક અગ્રણી હરદીપ મહિડા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળી હતી અને તેમને ન્યાય અપાવવા માટે તેમની સાથે જોડાયા હતા. વિદ્યાર્થીઓ વતી તેમણે તંત્ર સામે જોરદાર રજૂઆત કરી હતી.






