મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Vadodara માં પોલીસ પ્રોટેક્શન હેઠળ સુરસાગરમાં દબાણો હટાવાયા, વેપારીઓમાં રોષ

વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર શહેરના ટ્રાફિક અને દબાણની સમસ્યાને દૂર કરવા

વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર શહેરના ટ્રાફિક અને દબાણની સમસ્યાને દૂર કરવા માટે એક્શન મોડમાં આવ્યું છે. શહેરના મધ્યમાં આવેલા અને હંમેશા ગીચ રહેતા સુરસાગર રોડ પર ગત રાત્રે પાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ઓચિંતો દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી.

મોડી રાત સુધી ચાલતી હાટડીઓ પર તવાઈ

સુરસાગર અને તેની આસપાસના રસ્તાઓ પર મોડી રાત સુધી ધમધમતી ખાણીપીણીની લારીઓ, ગલ્લાઓ અને પથારાવાળાઓને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી. વાહનચાલકો અને રાહદારીઓની વ્યાપક ફરિયાદોને પગલે દબાણ શાખાની ટીમ રાત્રિના સમયે ત્રાટકી હતી અને રસ્તા પરના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો જપ્ત

પાલિકાની આ કાર્યવાહીને પગલે વેપારીઓમાં ભારે ઉત્તેજના અને ફફડાટ ફેલાયો હતો. કેટલાક વેપારીઓએ પાલિકાની ટીમે કરેલી માલસામાન જપ્ત કરવાની કામગીરીનો ઉગ્ર વિરોધ પણ કર્યો હતો. જોકે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો અને ગેરકાયદે ઊભી રહેતી લારીઓને ક્રેઈન દ્વારા હટાવી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

દબાણ સામે ઝુંબેશ ચાલુ રહેશે

સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે આ કાર્યવાહીથી તેમની રોજીરોટી પર અસર પડી રહી છે. બીજી તરફ, પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આ પ્રકારની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. સુરસાગર જેવા વ્યસ્ત વિસ્તારને દબાણમુક્ત કરી ટ્રાફિક વ્યવસ્થા સુધારવી તે તંત્રની પ્રાથમિકતા છે.

આ સમાચાર શેર કરો