મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ SIR કામગીરીમાં શિક્ષકોને લેવાતાં ગરીબ વિદ્યાર્થીઓનું શિક્ષણ જોખમમાં!

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં હાલમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે ક

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં હાલમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ રાષ્ટ્રીય કામગીરીમાં મોટી સંખ્યામાં શિક્ષકોને બીએલઓ (BLO) તરીકે જોડી દેવાતાં, પાલિકાની શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને સામાન્ય વિદ્યાર્થીઓનું શિક્ષણ ગંભીર રીતે બગડી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

વેડ રોડની શાળામાં 582 વિદ્યાર્થીઓ સામે માત્ર 3 શિક્ષક!

સુરતના વેડ રોડ પર આવેલી પાલિકાની એક શાળામાં આ સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ દેખાય છે. આ શાળામાં 16 શિક્ષકો હોવા છતાં, SIR કામગીરીના કારણે માત્ર ત્રણ શિક્ષક જ બચ્યા છે, જ્યારે સામે 582 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

આચાર્ય સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે શાળામાં શિક્ષણકાર્ય નહિવત થઈ ગયું છે. શિક્ષકોની ભારે અછતને કારણે, બે થી ત્રણ વર્ગને ભેગા કરીને એક વર્ગમાં બેસાડીને શિક્ષણ આપવું પડી રહ્યું છે. આના કારણે બાળકો તેમના મૂળભૂત અધિકાર – ગુણવત્તાયુક્ત શિક્ષણ – થી વંચિત રહી રહ્યા છે. વહીવટી કામગીરી પણ ખોરવાઈ ગઈ છે.

રાષ્ટ્રીય કામગીરી વિરુદ્ધ બાળકોનું ભવિષ્ય

આ સમગ્ર બાબતને લઈને શૈક્ષિક સંઘે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. શૈક્ષિક સંઘના પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું કે, "શહેરમાં લગભગ 30 થી 35 શાળાઓ એવી છે જ્યાં 60થી 90 ટકા સ્ટાફ BLOની કામગીરીમાં લઈ લેવામાં આવ્યો છે. જો SIRની કામગીરી રાષ્ટ્રીય કામગીરી છે, તો બાળકોના જીવનનું ઘડતર શું રાષ્ટ્રીય કામગીરી નથી? તંત્રએ આ બાબતે સજાગતા રાખવી જોઈએ."

શૈક્ષિક સંઘે માંગ કરી છે કે જે શાળાઓમાં આટલા મોટા પ્રમાણમાં શિક્ષકોને SIR કામગીરીમાં લેવામાં આવ્યા છે, ત્યાં અન્ય શાળાઓમાંથી શિક્ષકોને ફાળવવામાં આવે અથવા અન્ય વ્યવસ્થા કરવામાં આવે.

આંકડા બોલે છે: શિક્ષકોની ગંભીર ઘટ

સુરતની અનેક શાળાઓમાં શિક્ષકોની કેટલી મોટી ઘટ છે, તેના ચોંકાવનારા આંકડા પણ સામે આવ્યા છે:

શાળા ક્રમાંક

કુલ શિક્ષકો

BLO કામગીરીમાં શિક્ષકો

387

9

9

285

16

14

51

20

17

35

44

37

260

8

7

350

6

5

75

20

17

259

16

13

વિદ્યાર્થીઓએ પણ પોતાની મુશ્કેલી વ્યક્ત કરતાં જણાવ્યું કે શિક્ષકો BLOની કામગીરીમાં ગયા હોવાથી તેમને ખાસ કરીને અંગ્રેજી જેવા વિષયો ભણવામાં ખૂબ જ અગવડતા પડી રહી છે.

આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે શિક્ષકોની આ ગંભીર ઘટને કારણે બાળકોનું ભણતર બગડી રહ્યું છે, ત્યારે હવે સરકાર આ બાબતે ધ્યાન આપીને યોગ્ય વ્યવસ્થા કરે તેવી જોરદાર માંગ ઉઠી છે, ખાસ કરીને આગામી દિવસોમાં સમિતિની શાળાઓમાં થનાર ઈન્સ્પેક્શનને ધ્યાનમાં રાખીને.

આ સમાચાર શેર કરો