Video/ સાયલામાં ખનીજ ચોરી મામલે ભૂમાફિયાઓને ₹ 99 કરોડના દંડની નોટિસ, 12 લોકો સામે કાર્યવાહી
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છની સીમમાં આઠ દિવસ પહેલા ઝડપાયેલા ગેરકાયદેસર ખન
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છની સીમમાં આઠ દિવસ પહેલા ઝડપાયેલા ગેરકાયદેસર ખનીજ ખનન (Illegal Mining) મામલે તંત્રએ સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરીને કુલ રૂ. 99.67 કરોડના જંગી દંડની નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલે 12 જેટલા સંડોવાયેલા લોકોને નોટિસ આપવામાં આવી છે.
25 લાખ ટન ખનીજ ખનનનો પર્દાફાશ
વાંટાવચ્છની સીમમાં 8 દિવસ પૂર્વે ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ ઝડપાઈ હતી. તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસ અને કાર્યવાહીમાં ખુલાસો થયો છે કે આ ભૂમાફિયાઓ દ્વારા 25.04 લાખ ટન જેટલા બ્લેક ટ્રેપ (Black Trap) ખનીજનું ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું હતું.
આધાર-પુરાવા રજૂ કરવા નોટિસ
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા આ મામલે સંડોવાયેલા 12 લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. આ તમામ લોકોને આગામી 24 મી ડિસેમ્બરના રોજ ખાણ ખનીજ વિભાગ સમક્ષ હાજર રહીને જરૂરી આધાર-પુરાવા રજૂ કરવાના રહેશે. જો તેઓ દંડ ભરવામાં નિષ્ફળ જશે અથવા સંતોષકારક ખુલાસો નહીં કરે તો કાયદાકીય કાર્યવાહી વધુ કડક થઈ શકે છે.
5 કરોડનો મુદ્દામાલ જપ્ત
અગાઉ ગેરકાયદેસર ખનન ઝડપાયું ત્યારે બ્લેક ટ્રેપની ખાણ પરથી મોટો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં 14 ડમ્પર, 4 એક્સિલરેટર મશીન સહિત કુલ પાંચ કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી દેવાયો હતો. આ તમામ મુદ્દામાલને જપ્ત કરીને સુરેન્દ્રનગર ખાણ ખનીજ ઓફિસે ખસેડવામાં આવ્યો હતો.
તંત્રની આ જંગી દંડની કાર્યવાહીના કારણે ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે આ એક મોટું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે







