Surendranagar/ Hit & Run! અજાણ્યા વાહનની ટક્કરે ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત
Surendranagar Accident : સુરેન્દ્રનગર જિલ્લામાં રસ્તાઓ રક્તરંજિત બનવાનો સિલસિ

Surendranagar Accident : સુરેન્દ્રનગર જિલ્લામાં રસ્તાઓ રક્તરંજિત બનવાનો સિલસિલો યથાવત રહ્યો છે. પાટડી તાલુકાના નાવીયાણી ગામ પાસે મોડી સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક પર જઈ રહેલા ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, પાટડી તાલુકાના નાવીયાણી ગામ નજીક એક પુરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર ત્રણેય યુવકો ફંગોળાયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે ત્રણેયના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતના પગલે ધડાકાભેર અવાજ થતાં આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જાગૃત નાગરિકોએ તાત્કાલિક ધોરણે આ અંગે પોલીસ અને એમ્બુલન્સને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્રણેય મૃતક યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ પોલીસે ફરાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




