Video: 'આરોપી નથી વાહે વાહે નહીં ફરવાનું..હા', કીર્તિ પટેલે સાધુના વેશમાં મૃગીકુંડમાં ડૂબકી મારતા હોબાળો
Kirti Patel Controversy : વિવાદોનો પર્યાય ગણાતી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર મોટા

Kirti Patel Controversy : વિવાદોનો પર્યાય ગણાતી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર મોટા વિવાદમાં ફસાઈ છે. મહાશિવરાત્રીના મેળાના સૌથી પવિત્ર ગણાતા સાધુઓના શાહી સ્નાન દરમિયાન કીર્તિ પટેલે મૃગીકુંડમાં ઘૂસીને ડૂબકી મારતા સાધુ-સંતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ ઘટના બાદ પોલીસ સાથેની તેની બબાલનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સાધુના વેશમાં આવીને મારી ડૂબકી
મળતી વિગતો અનુસાર, જ્યારે અખાડાના સાધુ-સંતો પરંપરાગત રીતે શાહી સ્નાન કરી રહ્યા હતા, ત્યારે કીર્તિ પટેલ સાધુનો વેશ ધારણ કરીને ત્યાં પહોંચી ગઈ હતી. તેણે પ્રતિબંધિત મૃગીકુંડમાં ડૂબકી મારી હતી. મહિલાઓ માટે શાહી સ્નાન દરમિયાન અમુક મર્યાદાઓ અને નિયમો હોવા છતાં આ કૃત્ય કરવા બદલ સાધુ-સંતો રોષે ભરાયા હતા અને તાત્કાલિક પોલીસને બોલાવી તેને બહાર કાઢવા જણાવ્યું હતું.
પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી
પોલીસ જ્યારે કીર્તિ પટેલને કુંડમાંથી બહાર કાઢવા ગઈ ત્યારે તેણે પોલીસ કર્મચારીઓ સાથે અત્યંત ઉદ્ધત વર્તન કર્યું હતું. વાયરલ વીડિયોમાં કીર્તિ પટેલ પોલીસને એમ કહેતી સંભળાય છે કે: " હું કોઈ આરોપી નથી કે તમે મારી પાછળ પાછળ ફરો છો."
પોલીસ સાથેની આ બબાલના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ ટીકા થઈ રહી છે.
કાયદેસરની કાર્યવાહીની શક્યતા
આ ઘટનાને પગલે જૂનાગઢ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. એસડીએમ (SDM) એ જણાવ્યું છે કે, આ સમગ્ર મામલે તમામ અખાડાના સાધુ-સંતોના માર્ગદર્શન અને રજૂઆત બાદ જરૂર પડશે તો કીર્તિ પટેલ સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
સાધુ-સંતોમાં ભારે રોષ
મૃગીકુંડની પવિત્રતા અને શાહી સ્નાનની મર્યાદા ભંગ કરવા બદલ અખાડાના સાધુઓએ કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે. અગાઉ પણ અનેક વખત જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલ માટે આ નવો વિવાદ કાયદેસરની મુશ્કેલીઓ નોતરે તેવી પૂરેપૂરી શક્યતા છે.







