મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Junagadhમાં હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રીનો મેળો સંપન્ન, મૃગીકુંડમાં સાધુ-સંતોના શાહી સ્નાન બાદ ભક્તોની વિદાય

જૂનાગઢ: ગિરનારની ગોદમાં યોજાયેલો વિશ્વપ્

તસવીર: gstv

જૂનાગઢ: ગિરનારની ગોદમાં યોજાયેલો વિશ્વપ્રસિદ્ધ લઘુ કુંભ એટલે કે ભવનાથનો મહાશિવરાત્રી મેળો રવિવારે મધ્યરાત્રિએ શાહી સ્નાન સાથે ભક્તિમય માહોલમાં પૂર્ણ થયો છે. પાંચ દિવસ સુધી ચાલેલા આ મિની કુંભ મેળામાં લાખો ભાવિકો ઉમટી પડ્યા હતા, જે સાધુઓના શાહી સ્નાન બાદ હવે જૂનાગઢ તરફ રવાના થઈ રહ્યા છે.

મૃગીકુંડમાં ભક્તિનો સંગમ: મધ્યરાત્રિએ શાહી સ્નાન

મહાશિવરાત્રીની રાત્રિએ દિગંબર સાધુઓની રવેડી (સરઘસ) ભવનાથ તળેટીના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી. શંખનાદ, ડમરુના ગુંજારવ અને હર હર મહાદેવના નાદ સાથે આ રવેડી ભવનાથ મહાદેવના મંદિરે પહોંચી હતી. રાત્રિના 12 વાગ્યે સાધુ-સંતોએ પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું હતું. એવી માન્યતા છે કે આ કુંભમાં અદ્રશ્ય રૂપે નવ નાથ અને ચોર્યાસી સિદ્ધો સ્નાન કરવા આવે છે.

તંત્રએ લીધો રાહતનો શ્વાસ

આ વર્ષે મેળામાં ભક્તોનો અભૂતપૂર્વ પ્રવાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતા ભવનાથ તળેટીમાં કીડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ભીડને કારણે વહીવટી તંત્ર અને પોલીસના જીવ અધ્ધર થઈ ગયા હતા, પરંતુ પાંચ દિવસીય મેળો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

ભક્તોની વિદાય: તળેટી હવે ખાલી થશે

મેળો પૂર્ણ થતા જ ભવનાથ તળેટીમાં ઉતરેલા લાખો ભક્તો હવે જૂનાગઢ શહેર અને પોતપોતાના વતન તરફ રવાના થયા છે. એવું અનુમાન છે કે સોમવાર સવાર સુધીમાં ભવનાથ તળેટી સંપૂર્ણ ખાલી થઈ જશે. એસટી વિભાગ અને રેલવે દ્વારા પણ ભક્તો માટે વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો