Video: રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદનો મામલો, મહિલા મોરચાના પ્રમુખએ વિવાદને 'મતભેદ' ગણાવ્યો
રાજકોટ શહેર ભાજપમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદ અને મનપા
રાજકોટ શહેર ભાજપમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદ અને મનપાના વિવાદોને લઈને રાજકારણ ગરમાયું છે. આ અંગે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડિયાએ નિવેદન આપ્યું છે અને જૂથવાદના મામલાને 'પારિવારિક મતભેદ' ગણાવીને વિવાદ પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો છે.
'વિવાદ મનપાનો છે, મારો વિષય નથી'
મહિલા મોરચાના પ્રમુખ કિરણ માકડિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ જે વિવાદ ચાલી રહ્યો છે તે મનપા (મહાનગરપાલિકા) નો છે અને તે મારો વિષય નથી." તેમણે સ્પષ્ટતા કરી કે, આ મામલે હજુ સુધી તેમની પાસે કોઈ સત્તાવાર ફરિયાદ આવી નથી.
વિવાદમાં મહિલાઓની સંડોવણી અંગે તેમણે હળવાશમાં કહ્યું હતું કે, "બહેનો તો નાની વાતમાં રોતા હોય છે." જોકે, તેમણે ઉમેર્યું હતું કે, જો મહિલા મોરચામાં કોઈ ફરિયાદ આવશે, તો તે મામલે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.
'ભાજપ એક પરિવાર છે, મતભેદ હોય, મનભેદ નહીં'
સંગઠનમાં ચાલી રહેલા જૂથવાદના આક્ષેપોને નકારતા કિરણબેન માકડિયાએ જણાવ્યું હતું કે, "ભાજપ એક પરિવાર છે. અને એક પરિવારમાં મતભેદ હોય છે, પણ મનભેદ નથી હોતા."








