Video/ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સત્તાવાર રીતે સરકારે સંભાળી લીધો; જિલ્લા શિક્ષણ અધિકારી
અમદાવાદના DEO (જિલ્લા શિક્ષણ અધિકારી) રોહિત ચૌધરીએ શહેરની વિવાદાસ્પદ સેવ
અમદાવાદના DEO (જિલ્લા શિક્ષણ અધિકારી) રોહિત ચૌધરીએ શહેરની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલ અંગે એક અગત્યનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે આ શાળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.
સ્કૂલનો વહીવટ સત્તાવાર રીતે સરકારે સંભાળ્યો
DEO રોહિત ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, "આજથી અમે સેવન્થ ડે સ્કૂલનો તમામ વહીવટ સત્તાવાર રીતે સંભાળી લીધો છે." તેમણે ભારપૂર્વક કહ્યું કે વિદ્યાર્થીઓનું હિત સર્વોપરી છે. વિદ્યાર્થીઓનું ભાવિ ન બગડે તે વાતને ધ્યાનમાં રાખીને જ આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે જ કામ કરશે અને કોઈપણ પ્રકારે નિયમોનું ઉલ્લંઘન કરતી અમાન્ય શાળાઓ સામે લાલ આંખ કરવામાં આવશે.
નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી
DEOના જણાવ્યા અનુસાર, સેવન્થ ડે સ્કૂલ નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી, જેના કારણે સરકારે આ શાળાને હસ્તક લેવાની કાર્યવાહી કરી છે. તેમણે ઉમેર્યું કે હવે પછીની તમામ પ્રક્રિયા અને કામગીરી શિક્ષણ બોર્ડના નીતિ-નિયમો મુજબ જ આગળ વધારવામાં આવશે. આ નિર્ણયથી શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત થઈ છે, કારણ કે હવે તેમના બાળકોના અભ્યાસ પર કોઈ જોખમ રહેશે નહીં
સરકારના દાવાઓને શાળાએ ગણાવ્યા ખોટા
અમદાવાદમાં વિવાદિત સેવન્થ ડે સ્કૂલનો વહીવટ રાજ્ય સરકારે પોતાના હસ્તક લીધા બાદ, શાળા સંચાલકોએ સરકારના આ નિર્ણય સામે પોતાનું આક્રમક વલણ જાળવી રાખ્યું છે. શાળાએ દસ્તાવેજો રજૂ ન કર્યા હોવાના સરકારના દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.
શાળાના જનરલ મેનેજર જેમ્સ ચવન દ્વારા સરકારના દાવાઓ વિરુદ્ધ નિવેદન આપવામાં આવ્યું છે. જનરલ મેનેજરે જણાવ્યું હતું કે, "અમે દસ્તાવેજો રજૂ નથી કર્યા, એ સરકારની વાત સદંતર ખોટી છે." આમ, સેવન્થ ડે સ્કૂલ રાજ્ય સરકારના નિર્ણય સામે ટસથી મસ ન થઈ અને સત્તાવાર રીતે દસ્તાવેજો રજૂ કર્યા હોવાનું જણાવ્યું.
શાંત બેસીશું નહીં, આગળ કાર્યવાહી કરીશું
સરકાર દ્વારા સ્કૂલનો વહીવટ પોતાના હસ્તક લેવાના કડક નિર્ણય સામે શાળા સંચાલકોએ લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. શાળાના જનરલ મેનેજર જેમ્સ ચવનએ જણાવ્યું હતું કે, "અમે શાંત બેસી રહીશું નહીં, આગળની કાયદાકીય કાર્યવાહી કરીશું."
આમ, એક તરફ DEOએ શાળાનો વહીવટ સંભાળી લેવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ શાળા સંચાલકોએ આ નિર્ણય સામે કાયદાકીય જંગ લડવાની તૈયારી બતાવી છે.








