Ahmedabad news: બહુ ચર્ચિત સ્નેહાંજલિ સોસાયટીનો નવો વિવાદ, વર્ષો પહેલા AUDAએ ફટકારી હતી નોટીસ
અમદાવાદમાં હાલ ચર્ચિત સ્નેહાંજલિ સોસાયટી મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે, જેમાં એ

અમદાવાદમાં હાલ ચર્ચિત સ્નેહાંજલિ સોસાયટી મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે, જેમાં એ ખુલાસો સામે આવ્યો છે કે સ્નેહાંજલિ સોસાયટી જે જગ્યાએ છે તે વિસ્તાર મૂળ ઔડા હસ્તક હતો.વર્ષ 1983- 84માં સ્નેહાંજલિ સોસાયટીના સભ્યોએ સર્વે નંબર 113 / 2 પૈકીની જમીન વેચાણથી ખરીદી હતી. આ સર્વે નંબરની જગ્યાએ એફપી 68ની ફાળવણી અન્ય જગ્યાએ કરવામાં આવી હતી.
1989માં વાંધો ઔડા સમક્ષ ઉઠાવ્યો
તો બીજી તરફ સ્નેહાંજલિ સોસાયટીના સભ્યોને તેમને જે એફ પીમાં જગ્યા ફાળવવામાં આવેલ હતી તે બાબતની જાણ હોવા છતાં તેમણે પોતાના સર્વે નંબરની મૂળ જગ્યા પર નહીં પણ બીજી જગ્યા પર વર્ષ 1989 માં બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, આથી આ સર્વે નંબરની જગ્યા જે માલિકોને FP તરીકે ફાળવવામાં આવેલ હતી તેમણે વર્ષ 1989માં વાંધો ઔડા સમક્ષ ઉઠાવ્યો હતો.
સમગ્ર મામલે ઔડા દ્વારા સ્નેહાંજલી સોસાયટીના રહીશોને ગેરકાયદેસર બાંધકામ બાબતે નોટિસ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. આમ સ્નેહાંજલિ સોસાયટીના રહીશો એ બાબતથી વાકેફ હતા કે તેઓ એવી જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે કે જે જગ્યાએ તેમની માલિકીની નથી.આ નોટિસની સામે રહીશોએ સીટી સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો અને કોર્ટ દ્વારા બાંધકામ દૂર કરવા બાબતે મનાઈ હુકમ ઇસ્યુ કરવામાં આવ્યો હતો.
1997માં સ્નેહાંજલિ સોસાયટીની સર્વે નંબર 113/2 પરની માલિકી બાબતની એન્ટ્રી રદ કરતો હુકમ થયો
સ્નેહાંજલિ સોસાયટીના રહીશોએ સર્વે નંબર 113 / 2 ની જમીન તેના મૂળ માલિકોના પાવર ઓફ એટર્ની હોલ્ડર પાસેથી ખરીદ્યા હતા. આ સર્વે નંબરના મૂળ માલિકોએ સદર જમીનના વેચાણના હકો પાવર ઓફ એટર્નીને આપ્યા ન હતા. આથી જમીનના મૂળ માલિકોએ રેવન્યુ ઓથોરિટીને આ વેચાણ તેમના દ્વારા થયું ન હોવાનું જણાવ્યું હતું. આ બાબતને ધ્યાને લઈ રેવન્યુ રેકર્ડ પર વર્ષ 1997માં સ્નેહાંજલિ સોસાયટીની સર્વે નંબર 113/2 પરની માલિકી બાબતની એન્ટ્રી રદ કરતો હુકમ થયો હતો.





