Video: ઘાટલોડિયાની સ્નેહાંજલિ સોસાયટીના નળ-ગટરના કનેક્શન કાપવા AMCની ટીમ પહોંચી, સ્થાનિકોએ વિરોધ કરતાં પરત ફરી
અમદાવાદના ઘાટલોડિયામાં બિલ્ડરના ભોગે સ્નેહાંજલિ સોસાયટીનું બાંધકામ ગેરકાયદે જા
અમદાવાદના ઘાટલોડિયામાં બિલ્ડરના ભોગે સ્નેહાંજલિ સોસાયટીનું બાંધકામ ગેરકાયદે જાહેર થતાં AMC તંત્ર આજે નળ-ગટરના કનેક્શન કાપવા પહોંચ્યું હતું, ત્યારે રોષે ભરાયેલા રહીશોએ ઉગ્ર વિરોધ કરતાં ટીમ પરત ફરી હતી.
બિલ્ડરની ભૂલની સજા તેમને ન મળે: રહીશો
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીના 25થી વધુ મકાનધારકો બિલ્ડરની બેદરકારીનો ભોગ બન્યા છે. વર્ષ 1985માં બિલ્ડરે અન્ય માલિકના પ્લોટ પર આ સોસાયટી ઊભી કરી દીધી હતી, જેના પૈસા ન ચૂકવાતાં વર્ષો બાદ AMC દ્વારા મકાનો ખાલી કરવાની નોટિસ અપાઈ છે. ત્રીજી નોટિસ બાદ પણ મકાન ખાલી ન થતાં આજે AMCની ટીમ નળ-ગટરના કનેક્શન કાપવા પહોંચી હતી, પરંતુ સ્થાનિકોના ઉગ્ર વિરોધને કારણે ટીમ પરત ફરી હતી. રહીશોની માંગ છે કે બિલ્ડરની ભૂલની સજા તેમને ન મળે. સ્થાનિકોના મતે, નવી જંત્રી પ્રમાણે સોસાયટી ૪૧ કરોડ રૂપિયા ક્યાંથી લાવે? જો જૂની જંત્રી પ્રમાણે રકમ લેવાય તો તેમને વાંધો નથી.
સમગ્ર વિવાદનું મૂળ કારણ શું?
બિલ્ડર કાંતિભાઈ દ્વારા મૂળ ફાળવેલા પ્લોટને બદલે અન્ય બિલ્ડરના પ્લોટ પર સોસાયટીનું બાંધકામ કરીને મકાનો વેચી દેવામાં આવ્યા હતા, જે આ સમગ્ર વિવાદનું મૂળ કારણ છે. વર્ષ 2006માં, સોસાયટીના રહેવાસીઓને સમાચાર પત્ર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ વિશે જાણ થઈ. મૂળ પ્લોટના માલિક બિલ્ડરે પોતાનો પ્લોટ પાછો માગતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
મૂળ પ્લોટ માલિકને વૈકલ્પિક પ્લોટ ન મળ્યો
નીચલી કોર્ટે રહેવાસીઓને AMCને 3.71 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જે રકમ બિલ્ડર દ્વારા ભરવામાં પણ આવી હતી. તેમ છતાં, મૂળ પ્લોટ માલિકને વૈકલ્પિક પ્લોટ ન મળતાં કાયદાકીય ગૂંચવણ યથાવત રહી. હવે, આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં સોસાયટીએ AMCને 41 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સોસાયટીના રહીશોને ચિંતા
સોસાયટીના આગેવાનો કહી રહ્યા છે કે બિલ્ડરે એવું કહ્યું છે કે જે તે વખતે ટીપી ન હતી એટલે 68 અને 65 નંબરનો પ્લોટ અદલાબદલી થઈ ગયો છે. બિલ્ડર તમામને ગેરમાર્ગે દોરી રહ્યા છે. બિલ્ડરે જવાબદારી લીધેલી છે તેથી તેના પર કાર્યવાહી થવી જોઈએ. AMC રહીશો પર કાર્યવાહી કરી સોસાયટી ખાલી કરવાનું કહી રહી છે.
સતત ડિમોલિશનની નોટિસો
આ કાયદાકીય ખેંચતાણ વચ્ચે AMC દ્વારા સોસાયટીના રહેવાસીઓને સતત ડિમોલિશનની નોટિસો મોકલવામાં આવી રહી છે. આજે AMCની ટીમ ડિમોલિશન માટે પહોંચી હતી, પરંતુ રહેવાસીઓના ઉગ્ર વિરોધને કારણે કાર્યવાહી ટાળવામાં આવી છે. તંત્રએ આ પરિવારોને 16 ડિસેમ્બરની છેલ્લી તારીખ આપી છે, ત્યારબાદ પાણી અને વીજળીના કનેક્શન કાપી નાખવાની ચીમકી આપી છે.
મુખ્યમંત્રી સુધી રજૂઆત
આ ગંભીર પરિસ્થિતિમાં, સોસાયટીના રહીશો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમને એકતા ફ્લેટમાં 3 BHK ફ્લેટ આપવાનું આશ્વાસન મળ્યું હતું. જોકે, હજુ સુધી કોઈ ફ્લેટ ફાળવવામાં આવ્યો નથી. 25 પરિવારોમાંથી 23 વૃદ્ધો છે, જેમને જીવનના આ તબક્કે પોતાના હક્કનું ઘર ગુમાવવાના અને કાયદાકીય પ્રક્રિયાના સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે.








