Ahmedabad News: પોલીસ તંત્ર એક્શનમાં, સંતરાના કેરેટમાં મળ્યો લાખોનો વિદેશી દારૂ
31મી ડિસેમ્બરની ઉજવણી પૂર્વે રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા પોલીસ તંત્ર એ

31મી ડિસેમ્બરની ઉજવણી પૂર્વે રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા પોલીસ તંત્ર એક્શન મોડમાં છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા ટોલટેક્સ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે સંતરાના કેરેટની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી, બુટલેગરોની કારસાઝીનો પર્દાફાશ કર્યો છે.
પોલીસે ટ્રકમાં ઉંડાણપૂર્વક તપાસ કરતા પર્દાફાશ થયો
સંતરાની આડમાં દારૂની હેરાફેરી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બગોદરા પોલીસની ટીમ ટોલટેક્સ પાસે રૂટિન વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન અમદાવાદ તરફથી આવતી એક શંકાસ્પદ આઈશર ટ્રકને અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રકમાં પ્લાસ્ટિકના કેરેટમાં સંતરા ભરેલા જોવા મળ્યા હતા.
જોકે, ટ્રક ચાલક પાસે માલસામાન અંગેની કોઈ પાકી બિલ્ટી ન હોવાથી પોલીસને શંકા ગઈ હતી. પોલીસે ટ્રકમાં ઉંડાણપૂર્વક તપાસ કરતાં સંતરાના કેરેટની પાછળ વ્યવસ્થિત રીતે છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો.
48 લાખનો દારૂ અને કુલ 58 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસને ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 295 પેટીઓ મળી આવી હતી. જેમાં 180 મિલીની નાની 14,160 બોટલો હતી. જેની કિંમત રૂ. 48,14,400 અને ટ્રકની કિંમત: રૂ. 10,00,000 એમ કુલ રૂ. 58,40,400/ (મોબાઈલ સાથે) મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બે આરોપીઓની ધરપકડ થઈ
આ પ્રકરણમાં પોલીસે પોલીસે ટ્રક ચાલક રણબીરસિંહ રણજીતસિંહ રાજપુત (ઉં.વ. 50) અને શેરસિંહ રતનલાલ રાજપુત (ઉં.વ.24) એમ બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો હરિયાણાના મનીષ ઉત્તમચંદ શર્મા એ મોકલ્યો હતો અને ગુજરાતમાં કોઈ અજાણ્યા શખ્સને પહોંચાડવાનો હતો. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને આ દારૂ ક્યાં સપ્લાય થવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.







