Ahmedabad: સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર શ્રમિકોના છાપરામાં ઘૂસી ગઈ, 5 ઈજાગ્રસ્ત
અમદાવાદમાં દિવસેને દિવસે ‘હિટ એન્ડ રન’ અને અકસ્માતના બનાવોમાં ચિંત

અમદાવાદમાં દિવસેને દિવસે ‘હિટ એન્ડ રન’ અને અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં જાણે અકસ્માતોની વણઝાર લાગી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ફોર વ્હીલર ચાલકો બેફામ બનીને ડ્રાઈવિંગ કરી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેના કારણે નિર્દોષ લોકોએ ભોગ બનવું પડે છે. આવો જ એક બનાવ રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે.
વડુ તળાવ પાસે અકસ્માતની ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા વડુ તળાવ પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં રસ્તા પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી રસ્તાની બાજુમાં આવેલા શ્રમિકોના છાપરામાં ઘૂસી ગઈ હતી.
અચાનક કાળ બનીને આવેલી કાર છાપરામાં ઘૂસી જતાં ત્યાં હાજર શ્રમિકોમાં નાસભાગ અને ભયનો માહોલ છવાયો હતો. આ દુર્ઘટનામાં 5 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ સ્થાનિકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ ઘટનાસ્થળે બનાવની જાણ થતાં જ રામોલ પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





