Ahmedabad news: AMCનો વધુ એક 'યુ ટર્ન': અમદાવાદમાં 16 બ્રિજ પરનો ભારે વાહન પ્રતિબંધનો નિર્ણય પણ રદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરી એક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરી એકવાર પોતાના જ નિર્ણયોમાં ગંભીર સંકલનના અભાવને કારણે ચર્ચામાં આવ્યું છે. શહેરના 16 બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય બાદ તુરંત જ યુ-ટર્ન લેવો પડ્યો છે, જેના કારણે સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચેના તાલમેલનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે. AMCની આ ઉતાવળ અને ગેરસમજના કારણે અમદાવાદની જનતા પરેશાન થઈ રહી છે.
ઉતાવળમાં બોર્ડ લગાવી દીધા, પછી નિર્ણય મોકૂફ રાખ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટેઉપાડે શહેરના 16 મહત્ત્વના બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા સાઇન બોર્ડ લગાવવાની કાર્યવાહી શરૂ કરાઈ, કેટલાક બ્રિજ પર બોર્ડ લગાવી પણ દેવાયા. પરંતુ આ બોર્ડ એવી જગ્યાએ મૂકવામાં આવ્યા હતા કે તે સહેલાઈથી કોઈના ધ્યાન પર આવે નહીં
આ બોર્ડ લાગ્યા બાદ ભારે વિવાદ થતાં AMCને આ નિર્ણય પરથી પલટી મારવી પડી હતી અને સત્તાવાર રીતે એવું કહેવું પડ્યું હતું કે, "અત્યારે આ નિર્ણયનો અમલ કરવામાં આવશે નહીં." આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે, કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલા વિભાગો વચ્ચે પૂરતું સંકલન કરવામાં આવ્યું નહોતું.
ટ્રાફિક જામની સમસ્યા વકરી, ભારે વાહનો દંડના ડરથી પરત ફરે છે
AMCની આ અવ્યવસ્થાના કારણે સામાન્ય લોકો અને અનેક ભારે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. બ્રિજ પર લાગેલા બોર્ડ વાંચીને ડરના માર્યા અનેક ભારે વાહનો બ્રિજના પ્રવેશદ્વાર પાસેથી જ પાછા ફરવા મજબૂર બન્યા છે. વાહનચાલકોને ડર છે કે જો તેઓ બોર્ડની અવગણના કરીને બ્રિજ પર જશે તો બ્રિજ પર કે સામેની તરફ ઊભેલી પોલીસ તેમને મોટો દંડ ફટકારશે.








