Video/ જૂનાગઢના માંગરોળ પંથકમાં ખાતરની ગંભીર અછતથી ખેડૂતો પરેશાન, વહેલી સવારથી લાઇનો
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં હાલ ખેડૂતો ખાતરની ગંભીર અછતને કારણે ભારે મુશ્કેલ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં હાલ ખેડૂતો ખાતરની ગંભીર અછતને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફ માવઠાને કારણે ઘઉંનું વાવેતર મોડું થયું છે, ત્યારે બીજી તરફ યોગ્ય સમયે ખાતર ન મળતાં ખેડૂતોની ચિંતા વધી છે.
વહેલી સવારથી ખાતર માટે લાંબી કતારો
ખાતરની અછતના કારણે ખેડૂતોને ખાતર મેળવવા માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ખેડૂતોને સવારે છ વાગ્યાથી જ ખાતર લેવા માટે લાઇનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. આ અંગે કોટડા ગામના ખેડૂત દેવાભાઇ પરમારએ જણાવ્યું કે, "અમને ખાતર લેવા માટે વહેલી સવારથી ઊભું રહેવું પડે છે, છતાં સમયસર પૂરતો જથ્થો મળતો નથી."
ગાંગડા વળી ગયેલા ખાતરથી વધુ હાલાકી
સ્થિતિ વધુ બગડી છે કારણ કે ખાતરનો જે અમુક જૂનો જથ્થો આવ્યો છે, તેમાં ભેજના કારણે ગાંગડા વળી ગયા છે. આવું નબળી ગુણવત્તાવાળું ખાતર મળવાથી પણ ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડે છે અને વાવેતર પર તેની નકારાત્મક અસર થવાની ભીતિ છે.
નેતાઓના વાયદા પોકળ સાબિત
ખેડૂતોમાં રોષની લાગણી છે કે, નેતાઓ ચૂંટણી સમયે "ખાતર નહીં ખૂટવા દઈએ" તેવી મોટી મોટી વાતો કરે છે, પરંતુ ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ હજી પણ જેમની તેમ છે. ખેડૂતોને લાગી રહ્યું છે કે નેતાઓના વાયદા માત્ર પોકળ સાબિત થયા છે.માંગરોળ પંથકના ખેડૂતોએ તાત્કાલિક ધોરણે ગુણવત્તાયુક્ત ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પ્રબળ માંગ કરી છે, જેથી ઘઉંના પાકને બચાવી શકાય.








