Junagadh: માવઠાના મારથી પાક નિષ્ફળ જતાં ખેડૂતે કરી આત્મહત્યા
માવઠાના કારણે પાક નિષ્ફળ જવાથી અને આર્થિક સંકળામણના ભારથી વધુ એક ખેડૂતે આપઘાત કરવાની ઘટના સામે આવી

માવઠાના કારણે પાક નિષ્ફળ જવાથી અને આર્થિક સંકળામણના ભારથી વધુ એક ખેડૂતે આપઘાત કરવાની ઘટના સામે આવી છે. વિસાવદરના ઈશ્વરીયા (ગીર) ગામમાં 42 વર્ષીય ખેડૂત શૈલેષભાઈ દામજીભાઈ સાવલિયાએ પોતાના ખેતરમાં જ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લેતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતક શૈલેષભાઈ પાસે દસ વીઘા જમીન હતી. આ જમીનમાં તેમણે મગફળી, ડુંગળી અને તુવેરના પાકનું વાવેતર કર્યું હતું. જોકે, અચાનક આવેલા કમોસમી વરસાદના કારણે તેમનો મગફળી અને ડુંગળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો.
પાક નિષ્ફળ જવાથી શૈલેષભાઈ ગંભીર આર્થિક સંકળામણ અને ચિંતામાં હતા. મૃતક ખેડૂતને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે. બન્ને બાળકોની સ્કૂલના ફી ભરવાના પૈસાને લઈ મૃતક તણાવમાં હતો. પરિવારજનોએ પોલીસ સમક્ષ પણ આર્થિક સંકળામણને જ આપઘાતનું મુખ્ય કારણ ગણાવ્યું છે. આખરે, ખેતીમાં થયેલા ભારે નુકસાન અને નાણાંકીય બોજ સહન ન થતાં તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હતું.
ખેડૂત શૈલેષભાઈએ પોતાના ખેતરમાં જ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતાં ગામમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ વિસાવદર પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.






