Video/ ઇકો-ફ્રેન્ડલી આમંત્રણ: સુરતના પરિવારે દીકરીના લગ્નમાં કાગળને બદલે કુંડામાં છાપી કંકોત્રી
સામાન્ય રીતે લગ્નની કંકોત્રીઓ થોડા દિવસોમાં જ કચરામાં જતી રહે છે, જેનાથી કાગળનો બિનજરૂર
સામાન્ય રીતે લગ્નની કંકોત્રીઓ થોડા દિવસોમાં જ કચરામાં જતી રહે છે, જેનાથી કાગળનો બિનજરૂરી વ્યય અને પર્યાવરણને નુકસાન થાય છે. આ વ્યર્થ ખર્ચ અને પર્યાવરણીય અસરને ધ્યાનમાં રાખીને સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા લંકાપતિ પરિવારે તેમની દીકરીના લગ્નમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરી છે.
પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ
પીપલોદ નિવાસી મિતુલ લંકાપતિને વિચાર આવ્યો કે શા માટે લગ્નના આમંત્રણને પર્યાવરણની જાગૃતિના સંદેશ સાથે જોડી ન શકાય? તેમણે નક્કી કર્યું કે પુત્રી વંશિકા લંકાપતિના 6 ફેબ્રુઆરી, 2026ના લગ્નનું આમંત્રણ કોઈ કાગળ કે કાર્ડ પર નહીં, પરંતુ ઑક્સિજન આપનાર ઇન્ડોર પ્લાન્ટના કુંડા પર છાપવામાં આવશે. આ નિર્ણય દ્વારા તેમણે બિનજરૂરી ખર્ચ અને નાણાંના વેડફાટને ટાળવાની સાથે સાથે મહેમાનો સુધી પર્યાવરણની કાળજીનો સંદેશ પણ પહોંચાડ્યો.
સ્પાઇડર પ્લાન્ટની પસંદગી: જીવંત ભેટ
આ ઇકો-ફ્રેન્ડલી આમંત્રણ માટે સ્પાઇડર પ્લાન્ટ (Spider Plant) ને પસંદ કરવામાં આવ્યો છે. સ્પાઇડર પ્લાન્ટ એક લોકપ્રિય ઇન્ડોર પ્લાન્ટ છે, જે હવા શુદ્ધ કરવામાં અત્યંત અસરકારક ગણાય છે. તે કાર્બન મોનોક્સાઇડ, ઝાઈલિન અને ફોર્માલ્ડિહાઇડ જેવા ઝેરી કેમિકલ્સને દૂર કરીને શુદ્ધ હવા પૂરી પાડે છે. આ છોડ મહેમાનોને એક જીવંત ભેટ તરીકે મળશે, જે તેમના ઘરમાં ઑક્સિજનનું સ્તર વધારશે, સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરશે અને સકારાત્મકતા ફેલાવશે.
પરિવાર અને દીકરીએ વ્યક્ત કર્યો આનંદ
લંકાપતિ પરિવારની આ પહેલથી સમાજમાં સકારાત્મક ચર્ચા જાગી છે. દીકરી વંશિકા લંકાપતિએ પોતાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, "મારા પિતાએ જ્યારે આ આઇડિયા આપ્યો, ત્યારે તે ખૂબ જ યુનિક અને ગમી ગયો હતો. લોકોને પણ ખબર પડે કે એન્વાયર્નમેન્ટલ કંકોત્રીની જરૂર છે. આ એન્વાયર્નમેન્ટલ પોર્ટ્સ છે, જે લોકો ઘરે પણ રાખી શકે છે."
વંશિકાનાં માતા પૂનમ લંકાપતિએ જણાવ્યું કે, "જ્યારે તમે ઈકો-ફ્રેન્ડલી ઇન્વિટેશન કોઈને આપો છો, તો લોકોને એક સંદેશ જાય છે કે આવી રીતે તમે પણ કોઈને આમંત્રણ આપી શકો છો. આ આમંત્રણ દ્વારા અમે માત્ર દીકરીના લગ્નનો આનંદ જ નથી વહેંચી રહ્યા, પણ ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓ અપનાવીને પર્યાવરણ અને સ્વાસ્થ્ય બંનેની કાળજી લેવાનો મહત્ત્વપૂર્ણ સંદેશ પણ આપી રહ્યા છીએ."
લંકાપતિ પરિવારની આ પહેલ એવા પરિવારો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જેઓ લગ્નના પ્રસંગોમાં થતા આર્થિક વ્યય અને પર્યાવરણીય નુકસાન સામે ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો અપનાવવા માંગે છે.







