મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વિલંબ, ખેડૂતોમાં રોષ!

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે ભારે હાલાકીનો સામનો કરવો

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ જાહેરાતના એક દિવસ બાદ પણ ખરીદી શરૂ ન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ તાત્કાલિક ધોરણે મગફળીની ખરીદી શરૂ કરવાની માંગ કરી છે.

ટેક્નિકલ ખામીને કારણે વિલંબ

ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં વિલંબ થવા અંગે ગુજકોમાસોલના ખરીદ અધિકારી પિયુષ પટેલએ નિવેદન આપ્યું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર, ખરીદી શરૂ ન થવા પાછળ ટેક્નિકલ ખામી જવાબદાર છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, "ઓનલાઈન આઈડી અને પાસવર્ડ હજી સુધી આવ્યા ન હોવાને કારણે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી." જોકે, તેમણે ખાતરી આપી હતી કે આવતી કાલથી (11 નવેમ્બરથી) ખરીદીની પ્રક્રિયા શરૂ થઈ જશે.

10,700 ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

ટેકાના ભાવે મગફળી વેચવા માટે ધોરાજી વિસ્તારના કુલ 10,700 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. મગફળીના સારા ભાવ મળવાની આશાએ ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સમયસર ખરીદી શરૂ ન થવાથી ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે.

ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે તંત્ર દ્વારા વહેલી તકે ટેક્નિકલ ખામી દૂર કરીને ખરીદી શરૂ કરવામાં આવે, જેથી તેમને પોતાનો પાક ખુલ્લા બજારના નીચા ભાવોમાં વેચવાની ફરજ ન પડે.

આ સમાચાર શેર કરો