Video/ સાયબર ઠગોની નવી મોડસ ઓપરેન્ડી: નડિયાદની એક સ્કૂલનું Whatsapp ગ્રુપ હેક કરી વાલીઓના બેંક એકાઉન્ટ કર્યા સાફ
નડિયાદમાં સાયબર ક્રાઈમની એક ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. સાયબર માફિયાઓએ હવે શાળા
નડિયાદમાં સાયબર ક્રાઈમની એક ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. સાયબર માફિયાઓએ હવે શાળાઓના શિક્ષકો અને વાલીઓના વોટ્સએપ ગ્રુપને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. નડિયાદની જાણીતી શ્રી સંતરામ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ સહિત અન્ય શાળાઓના ગ્રુપ હેક કરી વાલીઓ પાસેથી ઓટીપી (OTP) મેળવી ખાતામાંથી નાણાં ઉપાડી લેવાની ઘટનાઓ બનતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શાળાના અધિકારી બનીને કરતા હતા ફોન
સાયબર ઠગો શાળાના વોટ્સએપ ગ્રુપ હેક કર્યા બાદ વાલીઓને ફોન કરતા હતા. ફોન પર પોતે શાળાના વહીવટી અધિકારી તરીકેની ઓળખ આપી વિશ્વાસમાં લેતા અને કોઈપણ બહાને વાલીઓ પાસેથી ઓટીપી મેળવી લેતા હતા. ઓટીપી મળતાની સાથે જ વાલીઓના બેંક ખાતામાંથી નાણાં સાફ કરી દેવામાં આવતા હતા. અત્યાર સુધીમાં અંદાજે 6 જેટલા વાલીઓ આ છેતરપિંડીનો ભોગ બન્યા છે.
ઓટીપી વગર પણ પૈસા ઉપડ્યા હોવાનો દાવો
આ કૌભાંડમાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ભોગ બનનાર પ્રીતિબેન શાહ નામની મહિલાએ આક્ષેપ કર્યો છે કે, તેમને કોઈપણ ઓટીપી આપ્યો ન હોવા છતાં તેમના ખાતામાંથી 15 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. આ ફરિયાદ સાથે તેઓ શાળાએ પહોંચ્યા હતા, જ્યાં શાળા પ્રશાસને તેમને સાયબર પોલીસમાં ફરિયાદ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
શાળાના આચાર્યએ નોંધાવી પોલીસ ફરિયાદ
શાળાના વાલીઓ સાથે મોટાપાયે છેતરપિંડી થતા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલના આચાર્ય દિપ્તીબેન બ્રહ્મભટ્ટે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શાળા દ્વારા અન્ય વાલીઓને પણ સજાગ રહેવા અને અજાણ્યા નંબર પરથી આવતા ફોન કે ઓટીપી શેર ન કરવા અપીલ કરવામાં આવી છે..








