Video/ Dahodના સાંજેલીમાં 'ઓપરેશન કેમ્પ'ના નામે મહિલાઓ સાથે ક્રૂર મજાક! એક કલાકમાં 30 ઓપરેશન, એક પલંગ પર બે મહિલાઓ
દાહોદ જિલ્લાના સંજેલી અને સિંગવડ વિસ્તારની મહિલાઓ માટે સંજેલી આરોગ્ય કેન્દ્ર ખ
દાહોદ જિલ્લાના સંજેલી અને સિંગવડ વિસ્તારની મહિલાઓ માટે સંજેલી આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા કુટુંબ નિયોજન (Family Planning) ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ કેમ્પમાં ગંભીર બેદરકારી અને સંવેદનહીનતાનો કિસ્સો સામે આવ્યો છે, જેનાથી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.
માત્ર એક કલાકમાં 30 ઓપરેશન
માહિતી મુજબ, સંજેલી આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજનના ઓપરેશન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ અને તેમના પરિવારના સભ્યો સવારના 9 વાગ્યાથી જ કેમ્પ સ્થળ પર પહોંચી ગયા હતા. જોકે, ખાનગી ડૉક્ટર સાંજે 4 વાગ્યે કેમ્પ સ્થળે આવ્યા હતા, જેના કારણે મહિલાઓએ આખો દિવસ રાહ જોવી પડી હતી. આશ્ચર્યજનક રીતે, માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાં 30 મહિલાઓના કુટુંબ નિયોજનના ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યા હતા, જે દર્દીના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
એક પલંગ પર બે મહિલાઓ અને રડતા બાળકો
ઓપરેશન બાદ મહિલાઓને આરામ આપવાની વ્યવસ્થા પણ અપૂરતી અને અમાનવીય હતી. મહિલાઓને આરામ કરવા માટે પૂરતા પલંગની વ્યવસ્થા ન હોવાથી, એક પલંગ પર બે મહિલાઓને સુવડાવવામાં આવી હતી.
સાથે આવેલા નાના રડતા બાળકોને શાંત રાખવા માટે પરિવારે સાડીનો ઝુલો બાંધીને ઝૂલાવવા પડ્યા હતા, જે સમગ્ર પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
સરકારી ડૉક્ટરના અભાવે ખાનગી ડૉક્ટરનો સહારો
સ્થાનિક સ્તરે સરકારી ડૉક્ટરના અભાવે આ ઓપરેશન કરાવવા માટે ખાનગી ડૉક્ટરને બોલાવવા પડ્યા હતા. ઓપરેશનની ઝડપ અને આરામની અપૂરતી વ્યવસ્થા જોતાં, આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓના જીવન સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટપણે દેખાય છે.







