Dahod: બારેલા ગામમાં લાગી ભીષણ આગ, 5 ભાઈઓના મકાનો બળીને ખાખ
સીંગવડ તાલુકાના બારેલા ગામમાં મોડી રાત્રે એક ગમખ્વાર ઘટના બની હતી, જેમાં
સીંગવડ તાલુકાના બારેલા ગામમાં મોડી રાત્રે એક ગમખ્વાર ઘટના બની હતી, જેમાં એક જ લાઈનમાં આવેલા પાંચ મકાનોમાં ભીષણ આગ લાગતાં ભારે નુકસાન થયું હતું. જોકે, પરિવારની સમયસૂચકતાના કારણે પાંચ ભાઈઓના પરિવારનો આબાદ બચાવ થયો હતો.
માહિતી અનુસાર, બારેલા ગામે પાંચ ભાઈઓના પરિવાર રાત્રિ ભોજન બાદ નિંદ્રાધીન હતા ત્યારે અચાનક તેમના એક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને એક જ લાઇનના પાંચેય મકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આગ એટલી તીવ્ર હતી કે પાંચેય મકાનોમાં રહેલો ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. કમનસીબે, મકાનમાં બાંધેલા ચાર બકરાઓ પણ આગની ઝપેટમાં આવી જતાં તેમના મોત નીપજ્યા હતા.
આગની જાણ થતાં જ પરિવારો જાગી ગયા હતા અને સમયસૂચકતા વાપરીને તાત્કાલિક મકાનની બહાર સુરક્ષિત રીતે નીકળી ગયા હતા. જેના કારણે પાંચેય ભાઈઓના પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો. આગની ઘટનાની જાણ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જાણ થતાં જ ફાયર ફાઇટર્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ સંપૂર્ણપણે કાબૂમાં આવે તે પહેલા જ પાંચેય મકાનો પૂર્ણ રીતે બળીને ખાખ થઈ ચૂક્યા હતા.





