મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Dahod માં ગંદા પાણીમાંથી પસાર થઈને પાણી ભરતી મહિલાઓ, તંત્રની ઘોર બેદરકારી

ગુજરાત સરકાર દ્વારા ગામડે-ગામડે અને ઘર-ઘર સુધી શુ

ગુજરાત સરકાર દ્વારા ગામડે-ગામડે અને ઘર-ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડવાના મોટા દાવાઓ વચ્ચે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સિમળીયા બુઝર્ગ ગામની એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. અહીંના સ્થાનિકો, ખાસ કરીને મહિલાઓ, ભર શિયાળે પણ પીવાના પાણી માટે ગંદા તળાવના પાણીમાંથી પસાર થઈ કૂવા સુધી પહોંચવા મજબૂર બન્યા છે.

તળાવની વચ્ચેથી 100 મીટરનો સંઘર્ષ

ગરબાડા નગરથી માત્ર દોઢ કિલોમીટર દૂર આવેલા સિમળીયા બુઝર્ગ ગામના માળ ફળિયાના લોકોની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. તેમણે પીવાનું પાણી મેળવવા માટે દરરોજ તળાવના કાદવવાળા અને ઠંડા પાણીમાં થઈને લગભગ 100 મીટર અંદર આવેલા પંચાયત દ્વારા બનાવેલા એકમાત્ર કૂવા સુધી પહોંચવું પડે છે.  અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો પાસે આ પાણી પીવા સિવાય છૂટકો નથી.

'નળ સે જળ' યોજના માત્ર શોભાના ગાંઠિયા સમાન 

સરકારની મહત્ત્વાકાંક્ષી 'નળ સે જળ' યોજના આ વિસ્તારમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. કરોડોના ખર્ચે બનેલી આ યોજના અહીં માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. ગામમાં જે હેન્ડ પંપ છે તે પણ કાં તો બંધ હાલતમાં છે અથવા તેમાં પાણી આવતું નથી. સ્થાનિકો માટે શુદ્ધ પાણી મેળવવાનો અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી મહિલાઓ, નાની બાળાઓ અને વિદ્યાર્થિનીઓ માથે પાણીના બેડાં મૂકીને દરરોજ તળાવના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર છે.

જો કોઈ ગ્રામજન તળાવમાંથી પાણી ભરવા ન માંગતા હોય, તો તેમને રૂપિયા ખર્ચીને પાણીના ટેન્કરો મંગાવવા પડે છે, જે આર્થિક બોજ વધારે છે.

સ્થાનિકોની આક્રોશપૂર્ણ માગ

ગ્રામજનોએ આ મુદ્દે વારંવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં પરિસ્થિતિ 'જૈસે થે' જેવી જ રહી છે. સ્થાનિકોમાં આક્રોશ છે કે એક તરફ સરકાર વિકાસના દાવા કરે છે, તો બીજી તરફ નજીવા અંતરે આવેલા આ ગામડાના લોકોને ભર શિયાળે પણ પાણી માટે માનવીય સંઘર્ષ કરવો પડે છે.

આ સમાચાર શેર કરો