Video/ 'ભણશે ગુજરાત'ના દાવાઓ વચ્ચે વઘઇમાં ક્કડતી ઠંડીમાં ખુલ્લામાં ભણવા મજબૂર બાળકો
ગુજરાત સરકાર એક તરફ ડિજિટલ શિક્ષણ અને 'ભણશે ગુજરાત'ના મસમોટા દાવાઓ કરી રહી છે, ત્યારે ડાંગ
ગુજરાત સરકાર એક તરફ ડિજિટલ શિક્ષણ અને 'ભણશે ગુજરાત'ના મસમોટા દાવાઓ કરી રહી છે, ત્યારે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી શિક્ષણ જગતને શરમાવે તેવી વાસ્તવિકતા સામે આવી છે. વઘઇ તાલુકાના ડોકપાતળ ગામે શાળાનું મકાન ન હોવાને કારણે ધોરણ 1 થી 8 ના 135 જેટલા આદિવાસી બાળકો ધોમધખતા તાપ અને કકડતી ઠંડીમાં ખુલ્લા કાચા ઘરના ઓટલા પર અને ઝાડની છાયામાં બેસીને અક્ષરજ્ઞાન લેવા મજબૂર બન્યા છે.
વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ
મળતી માહિતી મુજબ, ડોકપાતળ ગામે નવી પ્રાથમિક શાળાનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાં છે. જોકે, વહીવટી તંત્રની ગંભીર બેદરકારી એ રહી છે કે જૂની શાળાનું મકાન તોડી પાડ્યા બાદ, બાળકોના અભ્યાસ માટે કોઈ જ પાકી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે, માસૂમ બાળકોએ ધૂળ અને પવન વચ્ચે જમીન પર બેસીને ભણવું પડી રહ્યું છે.
મૂળભૂત સુવિધાઓના ફાંફા
આ અસ્થાયી 'શાળા'માં સુવિધાઓના નામે શૂન્ય છે. બાળકો માટે પીવાના પાણીની કોઈ સુવિધા નથી. શાળામાં શૌચાલયની વ્યવસ્થા ન હોવાને કારણે ખાસ કરીને દીકરીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાંગના પહાડી વિસ્તારોમાં અત્યારે શિયાળાની ઋતુમાં તાપમાનનો પારો નીચો રહે છે. ખુલ્લામાં બેસવાને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.
શું કહે છે જવાબદારો?
ગામના SMC સભ્ય અમિતાબેને તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, બાળકો અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં ભણી રહ્યા છે અને તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. બીજી તરફ, ડોકપાતળ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા નીરુબેન આર. પટેલે જણાવ્યું કે,"નવી શાળાનું નિર્માણ થઈ રહ્યું હોવાથી હાલ પૂરતી બાળકો માટે ઘરના ઓટલા પર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે." જોકે, આ 'વૈકલ્પિક વ્યવસ્થા' કેટલી સુરક્ષિત અને યોગ્ય છે તે એક મોટો સવાલ છે.
તંત્રની કાર્યક્ષમતા સામે સવાલો
જ્યારે સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, ત્યારે શું એક આદિવાસી વિસ્તારમાં બાળકો માટે કામચલાઉ પતરાના શેડ કે રૂમની વ્યવસ્થા ન થઈ શકે?







