મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ અભેપરમાં રાત્રિના અંધકારમાં 'ધડાકા': ખનિજ માફિયાઓનું બ્લાસ્ટિંગ નેટવર્ક ઝડપાયું, ₹17.30 લાખનો મુદ્દામાલ જપ્ત!

ઝાલવાડની ધરા પર ખનિજ માફિયાઓ ફરી એકવાર બેફામ બન્યા છે. સુરેન્દ્રનગરના અભેપર ગામે ર

ઝાલવાડની ધરા પર ખનિજ માફિયાઓ ફરી એકવાર બેફામ બન્યા છે. સુરેન્દ્રનગરના અભેપર ગામે રાત્રિના અંધકારમાં ગેરકાયદેસર બ્લાસ્ટિંગ કરવામાં આવતા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગ્રામજનોની જાગૃતતાને પગલે પ્રાંત અધિકારી સહિતના કાફલાએ મોડી રાત્રે દરોડા પાડી ખનિજ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

બ્લાસ્ટિંગના અવાજથી ગામ ધ્રૂજ્યું, તંત્ર એક્શનમાં

અભેપર ગામની સીમમાં મોડી રાત્રે અચાનક મોટા ધડાકાઓ થવા લાગતા ગ્રામજનો જાગી ગયા હતા. ખનિજ માફિયાઓ દ્વારા પ્રતિબંધિત વિસ્ફોટકોનો ઉપયોગ કરીને ખોદકામ કરવામાં આવતું હોવાની જાણ થતા જ ગ્રામજનોએ તાત્કાલિક પ્રાંત અધિકારીને ફોન કરીને આ અંગે ફરિયાદ કરી હતી. અધિકારીઓએ વિલંબ કર્યા વગર પોલીસ અને ખાણ-ખનિજ વિભાગની ટીમને સાથે રાખીને ઘટનાસ્થળે મધરાતે જ દરોડા પાડ્યા હતા.

તપાસમાં ચોંકાવનારા ખુલાસા

દરોડા દરમિયાન તંત્રને ઘટનાસ્થળેથી ગેરકાયદેસર રીતે ખોદવામાં આવેલા કાર્બોસેલના નવા કુવાઓ મળી આવ્યા હતા. આ કુવાઓ ખોદવા માટે માફિયાઓ 'સુપર પાવર નાઇટી' નામના અત્યંત જોખમી વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરી રહ્યા હતા. તંત્ર દ્વારા સ્થળ પરથી આ વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કુલ ₹17.30 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

મુખ્ય આરોપીઓના નામ ખુલ્યા

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર ગેરકાયદેસર નેટવર્ક ગોરધન ઝેઝરીયા અને જયેશ મકવાણા નામના શખ્સો ચલાવી રહ્યા હતા. આ બંને ઇસમો દ્વારા રાત્રિના સમયે સરકારી નિયમોના લીરેલીરા ઉડાડીને ખનિજની લૂંટ ચલાવવામાં આવતી હતી.

ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓ સામે ગાજ

માત્ર માફિયાઓ જ નહીં, પણ આ કૌભાંડમાં મિલીભગતની શંકાના આધારે સ્થાનિક સરપંચ અને તલાટી-કમ-મંત્રી સામે પણ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. તેમની દેખરેખ હેઠળ આટલા મોટા પાયે બ્લાસ્ટિંગ અને ખોદકામ કેવી રીતે ચાલતું હતું તે અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો