મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ ધોરાજીમાં ટેકાના ભાવે સોયાબીન ખરીદી કેન્દ્ર પર વિવાદ બાદ ફરી ધમધમાટ શરૂ, ખેડૂતોમાં આનંદ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે સોયાબીન ખરીદી કેન્દ્રમાં ગઈ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે સોયાબીન ખરીદી કેન્દ્રમાં ગઈકાલે મંગળવારે જમનાવડ ગામ ખાતે આવેલા ખરીદી સેન્ટર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે બબાલ થતાં મામલો ગરમાયો હતો, પરંતુ આજે વહેલી સવારથી ખરીદી ફરી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

વિવાદ અને આક્ષેપો

ગઈકાલે જમનાવડ સેન્ટર પર ખેડૂતોએ મજૂરો પર પૈસા પડાવતા હોવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. આ મામલે તાલુકા ભાજપ પ્રમુખ પણ ખરીદી સેન્ટર પર પહોંચ્યા હતા અને તેમણે અધિકારીઓ તથા મજૂરો પર જાહેરમાં આક્ષેપો કર્યા હતા, જેના કારણે ખરીદીની પ્રક્રિયામાં વિઘ્ન આવ્યું હતું.

પારદર્શક ખરીદીથી ખેડૂતો ખુશ

જોકે, આજે બુધવારે ટેકાના ભાવે સોયાબીન ખરીદી ફરી શરૂ થતાં ખેડૂતો મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ખરીદ સેન્ટર બહાર સોયાબીન લઈને પહોંચી ગયા હતા. ખરીદી શરૂ થયા બાદ ખેડૂતોએ કહ્યું હતું કે, "અમારી ખરીદી ખૂબ જ પારદર્શક રીતે થાય છે. ખરીદી કેન્દ્ર પર મજૂરો દ્વારા પૈસા માંગવામાં આવતા હોવાની વાત પાયા વિહોણી છે અને મજૂરો ક્યારેય પૈસા માંગતા નથી." કેટલાક ખેડૂતોએ તો ત્યાં સુધી કહ્યું કે રાજકીય ઇશારે ખરીદીમાં વિઘ્ન ઊભું કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

સમગ્ર વિવાદ બાદ આજે ખરીદીની કામગીરી સુચારુ રૂપે ચાલતા ખેડૂતોએ રાહત અનુભવી હતી અને તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો