Rajkot: રોકાણના નામે વેપારી સાથે 26 કરોડથી વધુની છેતરપિંડી, 7 આરોપીઓ ઝડપાયા
રાજકોટના એક વેપારી સાથે રોકાણના નામે 26.66 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલ

રાજકોટના એક વેપારી સાથે રોકાણના નામે 26.66 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે દસેક દિવસ પહેલાં ગાંધીનગર સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન ખુલ્યું કે ફાઈનલ-2 વેબપેજની લિંક બનાવી હતી. અને આ લિંકમાં વેપારી સાથે 500 ડોલરનું રોકાણ કરાવ્યું અને તેની સામે વર્ચ્યુઅલી નફો બતાવીને વેપારીને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ અલગ અલગ સમયગાળા દરમિયાન 26.66 કરોડની ઠગાઈ આચરવામાં આવી હતી. આ મામલે ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે રાજકોટથી સાત આરોપીની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
તાજેતરમાં જ ટોળકીએ રાજકોટના વેપારીને વોટ્સએપ દ્વારા સંપર્ક કર્યો હતો. અને બાદમાં શેર-બજાર રોકાણ કરવા માટે નાણાંકીય સેવા પ્રદાન કરતી કંપનીની બનાવટી વેબપેજની લિંક બનાવીને વેપારીને મોકલવામાં આવી અને તેમાં રજીસ્ટ્રેશન કરાવીને ઠગાઈની જાળમાં વેપારીને ફસાવી દીધો હતો. ત્યારબાદ આરોપીઓએ વેપારીને અલગ અલગ બેંક ખાતાઓની વિગતો મોકલીને શરૂઆતમાંમાં 500 ડોલરનુ રોકાણ કરાવી તેની સામે 101 ડોલરનો નફો વર્ચ્યુઅલ વોલેટમાં બતાવી રૂ.43 હજાર વિડ્રો પણ કરવા દીધા હતા. જેના લીધે વેપારીને ગઠિયાઓ પર વિશ્વાસ આવી ગયો અને બાદમાં ગત ઓગસ્ટ થી લઈને ઓક્ટોમ્બર મહિના સુધીમાં વેપારી પાસે રૂ.26.66 કરોડ રૂપિયા પડાવી લઈને ઠગાઈ આચરી લીધી હતી. ઠગાઈના નાણા ગઠિયાઓના એકાઉન્ટમાં આવી ગયા બાદ ATM અને ચેક મારફતે વિડ્રો કરીને સાયબર માફિયાઓ સુધી તે ઠગાઈના રૂપિયા પહોંચાડી દીધા હતા. ત્યારે આ મામલે ગાંધીનગરના સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાયાના ગણતરીના દિવસોમાં જ પોલીસે ગુનામાં સંડોવાયેલા સાત આરોપીની ધરપકડ કરીને 8 મોબાઈલ ફોન, 6 ડેબીટ કાર્ડ, 2 ચેક બુક, 2 પાસબુક અને 1 સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપીઓની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં ધ્યાને આવ્યું છે કે આરોપી બેંક કર્મચારી ઓછા અથવા તો વગર પુરવાએ પણ સાયબર માફિયાઓ માટેના મ્યુલ બેંક એકાઉન્ટ ખોલી આપતો હતો. તદુપરાંત આરોપી બેંક કર્મી સાયબર ઠગાઈના રૂપિયા ઉપાડવાથી લઈને સાયબર માફિયાઓ સુધી ઠગાઈના નાણા કેવી રીતે પહોંચતા કરવા સુધીની કામગીરીમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. બીજીતરફ પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ શરુ કરી દીધી છે કારણકે આ તમામ આરોપીઓ દેશભરમાં સાયબર ઠગાઈના આરોપીઓને કેટલા એકાઉન્ટ આપી ચુક્યા છે તથા અને કેટલા અન્ય લોકોની સંડોવણી છે તે દિશામાં વધુ તપાસ શરુ કરવામાં આવી છે.






