VIDEO: રાજ્યના 5 શહેરોની RTO ઓફિસને પણ મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસ બાદ શંકાસ્પદ વસ્તુઓ નથી મળી
રાજ્યમાં મહત્ત્વની સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવા


રાજ્યમાં મહત્ત્વની સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે (છઠ્ઠી એપ્રિલ) વહેલી સવારે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત ધમકી મળતા તંત્ર અને પોલીસ દોડતું થયું હતું. ધમકીભર્યા સંદેશાને પગલે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી, જેના કારણે અરજદારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વડોદરા RTO કચેરીમાં ધમકીભર્યો ઈમેઈલ
વડોદરા RTO કચેરીમાં ધમકીભર્યો ઈમેઈલ મળતા ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતા જ હરણી પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે સમગ્ર ઇમારત ખાલી કરાવી સઘન ચેકિંગ હાથ ધરાયું છે. આ અફરાતફરીને કારણે લાયસન્સ અને વાહન સબંધિત તમામ એપોઈન્ટમેન્ટ્સ રિશેડ્યૂલ કરવામાં આવી છે. હાલ રોજિંદા કામકાજ પર અસર પડી છે અને પોલીસ ધમકી આપનાર શખ્સની શોધખોળ કરી રહી છે.
સુરત RTO કચેરીમાં પણ મચી અફરાતફડી
સુરત RTO કચેરીમાં ધમકીભર્યો ઈમેઈલ મળતા ફફડાટ મચ્યો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તો બીજી તરફ સમગ્ર ઇમારત ખાલી કરાવી સઘન ચેકિંગ હાથ ધરાયું છે. આ અફરાતફરીને કારણે લાયસન્સ અને વાહન સબંધિત તમામ એપોઈન્ટમેન્ટ્સ રિશેડ્યૂલ કરવામાં આવી છે.
રાજકોટ RTOને બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી
બૉમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડે તપાસ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે ઇ-મેઈલ દ્વારા ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. જો કે તપાસ દરમિયાન શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભુજની RTO કચેરીને મળી ધમકી
કચ્છના ભુજમાં આવેલી RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. રાજ્યના અન્ય શહેરો બાદ હવે ભુજમાં પણ ધમકીભર્યો મેઈલ મળતા તાત્કાલિક ધોરણે કચેરી ખાલી કરાવી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
પાટણની RTO કચેરીને મળી ધમકી
પાટણ સ્થિત આર.ટી.ઓ. કચેરીમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો એક ધમકીભર્યો ઈમેઈલ મળતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાના કારણોસર તાત્કાલિક ધોરણે આખી ઓફિસ ખાલી કરાવવામાં આવી હતી અને ઘટનાસ્થળે SOG, એલ.સી.બી. તથા પાટણ તાલુકા પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કચેરીના ખૂણેખૂણાની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ અંતે કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ફરી એકવાર ફેક ઈમેઈલને કારણે પોલીસ અને વહીવટી તંત્રને કલાકો સુધી દોડતા થવું પડ્યું હતું, જેણે સ્થાનિક સ્તરે અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો.








