Video/ કડીના જાસલપુરમાં 40 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી કરાઈ
મહેસાણા: જિલ્લાના કડી તાલુકામાં આવેલા અને 'ડોલરીયા ગામ' તરીકે પ્રખ્યાત એવા જાસલ


મહેસાણા: જિલ્લાના કડી તાલુકામાં આવેલા અને 'ડોલરીયા ગામ' તરીકે પ્રખ્યાત એવા જાસલપુર ગામમાં વર્ષો જૂની અને જોખમી બનેલી પાણીની ટાંકીને આજે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી છે. કોઈપણ અકસ્માત ન સર્જાય તે હેતુથી અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
40 વર્ષ જૂની ટાંકી બની હતી જોખમી
જાસલપુર ગામમાં આશરે 40 વર્ષ પહેલા 40 હજાર લીટરની ક્ષમતાવાળી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. લાંબા સમયથી આ ટાંકી જર્જરિત હાલતમાં હતી અને ગમે ત્યારે પડી શકે તેવી શક્યતા હતી. ગ્રામજનોની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ ટાંકીને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે સવારે વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ટેકનિકલ ટીમ દ્વારા આ ટાંકીને ધરાશાયી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નવી ટાંકી માટે ₹30 લાખનું બજેટ
જાસલપુર ગામની વધતી જતી વસ્તી અને પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે હવે નવી ટાંકીનું આયોજન કરી દેવામાં આવ્યું છે. કુલ ખર્ચ ૩૦ લાખ રૂપિયાના ખર્ચે નવી ટાંકી બનાવવામાં આવશે. નવી ટાંકીની ક્ષમતા 1 લાખ લીટર (જૂની ટાંકી કરતા અઢી ગણી વધુ) હશે. નવી ટાંકી તૈયાર ન થાય ત્યાં સુધી ગ્રામજનોને અઢી લાખ લીટરના મોટા સંપમાંથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે.
ગામમાં વિકાસના નવા કામો શરૂ
ટાંકી તોડી પાડવાની સાથે જ નવી ટાંકી બનાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવી ટાંકી બનવાથી ગામના છેવાડાના ઘર સુધી પૂરતા પ્રેશરથી પાણી પહોંચી શકશે. 'ડોલરીયા ગામ' તરીકે ઓળખાતા જાસલપુરના રહીશોએ આ નિર્ણયને આવકાર્યો છે અને જોખમી ટાંકી દૂર થતા રાહતનો શ્વાસ લીધો છે.







