મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ એક વર્ષમાં 2000 લગ્નો, રૂ. 50 લાખની ગેરકાયદે કમાણી, કનજીપાણીના તલાટી સામે SPG અધ્યક્ષ લાલજી પટેલના ગંભીર આક્ષેપ

ગુજરાતમાં પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગણી

ગુજરાતમાં પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગણી વચ્ચે SPG (સરદાર પટેલ ગ્રુપ)ના અધ્યક્ષ લાલજી પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાગેડું લગ્ન નોંધણી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ અને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

એક જ સમયે ત્રણ સ્થળે હાજરી કેવી રીતે?

લાલજી પટેલે જે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે, તે કાયદાકીય પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા કરે છે.  તેમણે દાવો કર્યો કે એક જ દીકરીએ 14  નવેમ્બર, 2025 ના રોજ એક જ સમયે ઊંઝામાં સ્ટેમ્પ લીધો, વિસનગરમાં નોટરી કરાવી અને પંચમહાલના કનજીપાણી ગામમાં લગ્ન નોંધણી પણ કરાવી.

 લાલજી પટેલે પ્રશ્ન ઉઠાવ્યો કે, 300 કિલોમીટરના અંતરે આવેલા ત્રણ જુદા-જુદા સ્થળે યુગલ એક જ સમયે કઈ રીતે હાજર રહી શકે? તેમણે ઉમેર્યું કે કનજીપાણી ગામમાં તો માત્ર ત્રણ દિવસમાં 24 જેટલા લગ્નો નોંધાયા છે, જે ગેરરીતિ સૂચવે છે.

તલાટી પર 50 લાખના કૌભાંડનો આક્ષેપ

લાલજી પટેલે પંચમહાલના કનજીપાણી ગામના તલાટી અર્જુન મેઘવાલ પર આંગળી ચીંધી છે. લાલજી પટેલનો દાવો છે કે તલાટીએ પોતે જ સ્વીકાર્યું છે કે તેણે એક વર્ષમાં 2000  લગ્ન કરાવ્યા છે. આ લગ્નો દીઠ ₹2500 લેખે તલાટીએ ₹50 લાખની ગેરકાયદે કમાણી કરી છે.

લાલજી પટેલે આ અંગે વીડિયો પુરાવો હોવાનો પણ દાવો કર્યો છે.

ફરિયાદ અને કાયદામાં સુધારાની માંગ

એસ.પી.જી. અધ્યક્ષ લાલજી પટેલે તાત્કાલિક ધોરણે આ સમગ્ર લગ્ન નોંધણી કૌભાંડની સરકારી તપાસ કરવાની અને જવાબદાર વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સામાજિક અગ્રણીઓ દ્વારા પણ કાયદામાં તાત્કાલિક સુધારો લાવવા માટે માંગણી કરવામાં આવી છે, જેથી આ પ્રકારે થતી ગેરરીતિ અટકાવી શકાય.

આ સમાચાર શેર કરો